પંચમહાલમાં પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર કરવા કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને જીવામૃત બનાવાની પ્રક્રિયા લાઈવ ડેમો આપી સમજાવવામાં આવી.

પંચમહાલ જીલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ગોધરા તાલુકાના ગુસર ગામે આજે તા.26 નવેમ્બર 2025ના રોજ એક કિસાન ગોષ્ઠિ યોજાઈ હતી. આ ગોષ્ઠિનો મુખ્ય ઉદ્દેશ્ય દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવાનો હતો.

આ તકે નિષ્ણાતોની ટીમે ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓનું જ્ઞાન આપ્યું હતું. આજના દિવસને નેશનલ મિલ્ક ડે તરીકે પણ ઉજવવામાં આવતો હોવાથી, આ કિસાનગોષ્ઠિમાં કૃષિની સાથેસાથે પશુપાલન અને દૂધ ઉત્પાદન વિશેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કૃષિ નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના આયામોની સમજણ આપવાની સાથેસાથે ખેડૂતોને જીવામૃત બનાવવાનો અને તેના ઉપયોગનો લાઈવ ડેમો પણ આપ્યો હતો. આ પ્રદર્શનથી ખેડૂતોને પ્રાકૃતિક ખાતર બનાવવાની પ્રક્રિયાનું સીધું જ્ઞાન મળ્યું હતું.

આ કાર્યક્રમ પંચમહાલના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને પશુપાલનને પ્રોત્સાહન આપીને આર્થિક રીતે સદ્ધર થવા માટે યોજાયો હતો. આ પ્રસંગે ડેરી વિજ્ઞાન કેન્દ્રના ડો.સતીષભાઈ પરમાર, ભાવિનભાઈ પટેલ, પશુ વિજ્ઞાન કેન્દ્રના ડો.રિઝવાનભાઈ ધાસુરા, ડો.જયેશભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર દીક્ષિતભાઈ મકવાણા, બીટીએમ વિશાલભાઈ શાહ, એટીએમ અલ્પેશભાઈ રાઠોડ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી ટીપીએમ હાર્દિકભાઈ વણકર તેમજ સીઆરપી અમરસિંહ કલાસવા અને કૃષિ સખી હેતલબેન રાઠોડ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.