પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પ્રચારના પડધમ શાંત

૨૬ એપ્રિલે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ૧૧૪૭ મતદાન મથકો અને નગર પાલિકા ચુંટણીમાં ૧૪૧ મતદાન મથકોએથી મતદાન થશે.

પંચમહાલ જીલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ૨૬એપ્રિલના રોજ યોજાનાર મતદાનને લઈ ૨૪ એપ્રિલે ૫.૦૦ વાગ્યાના સમયથી પ્રચારના પડધમ શાંત થયાછે. સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા, તાલુકા અને નગર પાલિકાની ચુંટણીના ઉમેદવારો સાંજથી ખાટલા બેઠકોનો દોર શ‚ કર્યો છે અને મતદારોને મતદાન દિવસ સુધી જાળવી રાખવાના પ્રયાસ હાથ ધર્યા છે.

પંચમહાલ જીલ્લામાં જીલ્લા પંચાયતની ૩૮ બેઠકો પૈકી ૭ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેથી ૩૧ બેઠકો માટે મતદાન યોજાશે. તાલુકા પંચાયતોની ૧૭૪ બેઠકો પૈકીની ૨૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. હવે ૧૪૮ બેઠકો ઉપર મતદાન યોજાનાર છે.

ગોધરા નગર પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પૈકીની ૪ બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે ૪૦ બેઠકો માટે મતદાન યોજાશે.

શહેરા નગર પાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પૈકી ૧૭ બેઠકો બિનહરીફ જાહેર થતાં ૧૧ બેઠકો માટે મતદાન યોજાશે. ગોધરા અને શહેરા નગર પાલિકાની ચુંટણી માટે ૧,૩૭,૬૯૬ મતદારો પોતાના મતધિકારનો ઉ૫યોગ કરશે.

પંચમહાલ જીલ્લા પંચાય અને તાલુકા પંચાયતોની ચુંટણી માટે કુલ ૮,૧૪,૫૭૬ મતદારો પોતાના મતધિકારનો ઉ૫યોગ કરશે. પંચમહાલ જીલ્લામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી માટે કુલ ૧૧૪૭ મતદાન મથકો અને નગર પાલિકાની ચુંટણી માટે ૧૪૧ મતદાન મથકોથી મતદાન યોજાશે.

પંચમહાલ જીલ્લામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ૨૦૯ મતદાન મથકો સંવેદનશીલ અને ૩૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કર્યા છે.

ગોધરા નગર પાલિકામાં ૨૩ મતદાન મથકો સંવેદનશીલ અને ૪૨ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કર્યા છે.

શહેરા નગર પાલિકામાં ૩ મતદાન મથકો સંવેદનશીલ અને બે મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કર્યા છે.

૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે થનાર મતદાનને લઈ પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરાઈ છે. જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર, ચુંટણી વિભાગ અને જીલ્લા પોલીસ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે.