
સુરતના નાસિરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન બાદ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પાલિકાનું સેન્ટ્રલ ઝોન તંત્ર હરકતમાં આવ્યું છે અને અસરગ્રસ્ત રહિશોની વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત ૩૦ મેના રોજ નાસિરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન બાદ અનેક પરિવારો અસરગ્રસ્ત બન્યા હતા. આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે અસરગ્રસ્ત લોકોને યોગ્ય વૈકÂલ્પક આવાસ અને જરૂરી વ્યવસ્થા પૂરી પાડવા માટે પાલિકાને સૂચના આપી હતી.ડિમોલિશન બાદ શરૂઆતમાં પાલિકા દ્વારા પોતાની સીધી સંડોવણી ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જાકે, ત્યારબાદ પાલિકા કમિશનર દ્વારા મામલામાં પાલિકાની ભૂમિકા હોવાની વાત સ્વીકારવામાં આવી હતી.
આ બાદ સમગ્ર મુદ્દો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.હાઇકોર્ટે નાસિરનગરના અસરગ્રસ્ત રહિશોને યોગ્ય પુનર્વસન આપવા અને વૈકલ્પક આવાસની વ્યવસ્થા કરવા માટે પાલિકાને નિર્દેશ આપ્યા હતા.હાઇકોર્ટના આદેશ બાદ જ્યારે પાલિકાની ટીમ સર્વે માટે નાસિરનગર પહોંચી ત્યારે શરૂઆતમાં માત્ર ૨૬ પિટિશનરોનો જ સર્વે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ જાવા મળ્યો હતો.બાદમાં સ્થાનિક કોર્પોરેટર અરશદ ઝરીવાલા, અસલમ સાયકલવાલા અને એડવોકેટ ધવલ રાણા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ પાલિકા તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત પરિવારોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
એડવોકેટ ધવલ રાણાના જણાવ્યા મુજબ, પાલિકાએ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં નાસિરનગરમાં કુલ ૫૯ ઘરો ડિમોલિશન થયા હોવાનું સ્વીકાર્યું છે. પાલિકા પાસે અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે ૧૨૦ વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હવે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પાત્ર પરિવારોને યોગ્ય પ્રક્રિયા મુજબ આવાસ ફાળવવામાં આવશે.નાસિરનગરના અસરગ્રસ્ત પરિવારો હવે સર્વે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ક્યારે અને કેવી રીતે વૈકલ્પિક આવાસ મળશે તેની રાહ જાઈ રહ્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ શરૂ થયેલી આ કામગીરીથી અસરગ્રસ્ત પરિવારોને રાહતની આશા જાગી છે.