નસવાડી તાલુકાના જુના તણખલા ગામે છેલ્લા એક મહિનાથી ગામના હેન્ડપંપ બગડી ગયા હોવાથી ગ્રામજનોને પીવાના પાણી માટે અને ધર વપરાશના પાણીની મુશ્કેલી ઉભી થઈ છે. ગામમાં પાણી પુરવઠાની લાઈનો નાંખવામાં આવેલી છે. તેમાં પણ અત્યાર સુધી એક પણ ટીપું પાણી આવ્યુ નથી. ગામની ૧૫થી વધુમહિલાઓ પાણીની રજુઆત કરવા માટે ગ્રામ પંચાયત કચેરી ઉપર પહોંચી તો તલાટી અને સરપંચ કોઈપણ કચેરીમાં મળ્યા નહિ જેને લઈ મહિલાઓમાં નારાજગી જોવા મળી હતી.
નસવાી તાલુકાની સાંકળ(તણખલા)ગ્રામ પંચાયતનુ જુના તણખલા ગામ આવેલુ છે. જેમાં નિશાળ ફળિયુ, મહાદેવ ફળિયુ, પાછલુ ફળિયુ આમ ત્રણ ફળિયા આવેલા છે. આ ત્રણ ફળિયામાં ૫૦૦થી વધુ લોકોની વસ્તી છે. જુના તણખલા ગામમાં છેલ્લા એક મહિનાથી ગ્રામજનોને પીવાના પાણી અને ધર વપરાશના પાણી માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈનો નાંખવામાં આવેલી છે. અને ધરે ધરે નળો પણ બેસાડ્યા હતા. પરંતુ તેમાં એક પણ ટીપું પાણી પહોંચ્યુ નથી. પાણી પુરવઠા વિભાગ દ્વારા લગાવવામાં આવેલા નળના ટીંબલા પણ તુટી ગયા છે. ગામમાં ૪ હેન્ડપંપ આવેલા છે. તે તમામ હેન્ડપંપ છેલ્લા એક મહિનાથી બગડી ગયા છે. અને અમુક હેન્ડપંપમાં પાણીનુ જળસ્તર નીચુ જતુ રહ્યુ હોવાથી પાણી આવતુ નથી. જેના કારણે ગ્રામજનોને પાણી માટે ધણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.જેને લઈને ગામની મહિલાઓ પાણીની રજુઆત કરવા માટે સાંકળ(તણખલા)ગ્રામ પંચાયત કચેરી ઉપર પહોંચ્યા હતા. પરંતુ ગ્રામજનોની રજુઆત સાંભળવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કે સરપંચ કોઈપણ હાજર ન હતા. ગ્રામજનોનો આક્ષેપ છેકે, તલાટી અને સરપંચ કચેરીમાં બેસતા નથી. અને અમારી રજુઆતો સાંભળતા નથી.