નસવાડીના મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડાઓ ગણેશ ઉત્સવ પહેલાં પૂરવાની માંગ કરાઈ

નસવાડી નગરના મુખ્ય માર્ગો પર છેલ્લા કેટલાય દિવસોથી ખાડાઓ વધુ ઊંડા અને જીવલેણ બન્યા છે. ટ્રકના પૈડાં ગરકી જાય તેવા ખાડાઓમાંથી બાઈકચાલકોને પસાર થવાની ફરજ પડી રહી છે. ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો હોવા છતાં રસ્તાઓની સ્થિતિમાં સુધારો ન થતાં યુવાનો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નસવાડી નગરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. કેટલાક સ્થળે ખાડા એટલા ઊંડા બન્યા છે કે ટ્રકના પૈડાં પણ તેમાં ગરકી જાય તેવી સ્થિતિ છે. બાઈકચાલકોને આ ખાડાઓમાંથી પસાર થતી વખતે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

છેલ્લા કેટલાય દિવસોથી ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં છોટાઉદેપુર સ્ટેટ આરએન્ડબી વિભાગના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી.

ચોમાસામાં રસ્તાના ખાડા પુરવા સરકાર દ્વારા ઈમરજન્સી વર્ક માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેનો ઉપયોગ ક્યાં થાય છે તે તપાસનો વિષય બન્યો છે. ગણેશ ઉત્સવ નજીક હોવાથી મૂર્તિ લાવવા-લઈ જવામાં પણ મુશ્કેલી પડે તેવું છે. તાત્કાલિક ખાડા પુરવા લોકમાંગ ઉઠી છે.

સરકાર ગ્રાન્ટ આપે છે તો રોડની સપાટી વ્યવસ્થિત કરો રક્ષા બંધન જન્માષ્ટમી જેવા તહેવારમા ખાડા ન પુરાયા, આ કેવું કહેવાય ? જીલ્લાના અધિકારી, ઈજનેરોએ સ્થળ મુલાકાત કરવી જોઈએ. ખાડા કોઈનો જીવ ગયા પછી પુરાશે ? એક મોટુ વાહન અંદર સમાય તેવો ખાડો છે. કોઈ જોવા વાળું નથી. લોકો હેરાન બન્યા છે.

વિદ્યાર્થીઓ, રાહદારીઓ ખાડાને લઈ ચાલે ક્યાં ? હવે ગણેશજીની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. કહેવું કોને ? સરકાર ગ્રાન્ટ આપે છે તો રોડની સપાટી વ્યવસ્થિત કરો. વિસ્તારના લોકો પણ હેરાન છે. ખાડાને લઈ ટ્રાફિક જામ થાય છે. – રાજુભાઈ ભીલ, વાહન ચાલક

મોટા ખાડા હવે જીવલેણ બની રહ્યા છે નસવાડી ટાઉનમાંથી છોટાઉદેપુર મધ્યપ્રદેશ તરફનો વાહન વ્યવહાર ચાલુ છે. ત્યારે સ્ટેટ આર એન્ડ બી રોડની સપાટી બાબતે સતત ધ્યાન આપવું પડે. પરંતુ કોઈ ધ્યાન આપતું નથી. જેને લઈ મોટા ખાડા હવે જીવલેણ બન્યા છે. જીવના જોખમે વાહનો પસાર કરવા વાહન ચાલકો મજબુર બન્યા છે. જીલ્લાના અધિકારીઓથી લઈ ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપતા ન હોઇ વિસ્તારમા રોષ ઉઠ્યો છે.