
બોડેલી તાલુકાના ધરોલીયા ટ પર ઘણાં સમયથી પૂરતી એસટી બસ સેવા નહીં મળતાં વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ નહીં પહોંચી શકતાં તેમના અભ્યાસને અસર થઇ રહી છે. આખરે આ સમસ્યાથી કંટાળેલી નવજીવન હાઈસ્કૂલની વિદ્યાર્થિનીએ છોટાઉદેપુર જીલ્લા કલેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ગંભીરતાથી લઈ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. બોડેલી મામલતદાર સાથે પોલીસની ટીમે એસટી ડેપો ખાતે પહોંચી વિદ્યાર્થીઓની હાજરીમાં ડેપો મેનેજરને સંબંધિતરૂટ પર બસ ફાળવવા રજૂઆત કરી હતી.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સખાન્દ્રા- ધરોલિયા વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડે છે. બોડેલી નવજીવન હાઈસ્કૂલ અને શિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરતી એસટી બસ સેવા ન મળતાં તેઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી, જેના કારણે તેમના અભ્યાસ પર અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, સખાન્દ્રા તથા ધરોલિયા વિસ્તારના વિદ્યાર્થીઓ રોજે રોજ આશરે ૧૫થી ૨૦ કિમીનું અંતર કાપીને બોડેલીમાં અભ્યાસની ભૂખ સંતોષવા માટે આવે છે. પરંતુ પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી ખાસ કરીને વિદ્યાર્થિનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી વખત બસના અભાવે તેઓ શાળાએ મોડા પહોંચતા હોવાની ફરિયાદ છે.
આ મુદ્દે નવજીવન હાઈસ્કૂલની વિદ્યાર્થિની પાયલે છોટાઉદેપુર જીલ્લા કલેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું.
બોડેલી મામલતદાર તેમજ પોલીસની ટીમ એસટી ડેપો ખાતે પહોંચી હતી. જ્યાં તેમના દ્વારા વિદ્યાર્થીઓની હાજરીમાં બોડેલી એસટી ડેપોના મેનેજર સમક્ષ સંબંધિત ટ પર વિદ્યાર્થીઓ માટે પૂરતી એસટી બસ ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સૂત્રનો ફિયાસ્કો એક તરફ સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના નારા સાથે દીકરીઓને શિક્ષણની મુખ્યધારામાં લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ બસ સેવાના અભાવે દીકરીઓ સમયસર શાળાએ ન પહોંચી શકે તે ગંભીર બાબત છે. લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી વિદ્યાર્થીઓ માટે યોગ્ય સમયે બસ ફાળવવામાં આવે તે જરૂરી છે.