છોટાઉદેપુર જિલ્લાના નસવાડી-બોડેલી માર્ગ પર કવોરીમાંથી મેટલ ભરીને પસાર થતી કેટલીક ટ્રકો બેફામ દોડતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સરકારના નિયમ મુજબ કવોરી મટીરીયલ સહિત બાંધકામ સામગ્રી ભરીને જતાં વાહનોમાં માલ સામાનને યોગ્ય રીતે તાડપત્રીથી ઢાંકીને લઈ જવાનો નિયમ છે. જેથી રસ્તા પર મટીરીયલ ન પડે અને પાછળથી આવતા વાહનચાલકો માટે જોખમ ઉભું ન થાય. પરંતુ નસવાડી-બોડેલી રોડ પર કેટલીક ટ્રકોમાં નિયમ વિરુદ્ધ ઓવરલોડ મેટલ ભરવામાં આવતુ હોવાના આક્ષેપો છે. એટલુ જ નહિ, ટ્રકની બોડીની બહાર સુધી મેટલ દેખાય તે રીતે માલ ભરવામાં આવતો હોવાની પણ ફરિયાદો ઉઠી છે.આવી ઓવરલોડ ટ્રકો રસ્તા ઉપર દોડતી વખતે મેટલના નાના-મોટા પથ્થરો રસ્તા પર પડવાની શકયતા રહે છે. જેના કારણે ટ્રકની પાછળથી પસાર થતાં વાહનચાલકો માટે અકસ્માતનુ જોખમ રહેલુ છે. નિયમોનુ પાલન કરાવવાની જવાબદારી ખાણ ખનીજ વિભાગની અને સંબંધિત તંત્રની હોવા છતાં આવી ટ્રકો સામે નિયમિત તપાસ અને કાર્યવાહી થાય છે કે નહિ તે અંગે સવાલો ઉઠ્યા છે.