સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોનો અડિંગો

સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની ઈકો ગાડીઓ, છોટાહાથી અને રિક્ષા સહિતના વાહનો દ્વારા બસ સ્ટેશન તેમજ મુખ્ય માર્ગની બંને બાજુ આડેધડ પાર્કિંગ કરવામાં આવતુ હોવાની ફરિયાદો વચ્ચે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. ખાનગી વાહનચાલકો બસ સ્ટેન્ડ નજીક જ વાહનો આડા ઉભા રાખતા સરકારી એસ.ટી.બસોના ચાલકોને રસ્તાની વચ્ચે બસ ઉભી રાખીને મુસાફરોને ચઢાવવા-ઉતારવાની ફરજ પડે છે. પરિણામે પાછળથી આવતા વાહનોની લાંબી કતારો લાગે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સુખસરમાં બારેમાસ આવી સ્થિતિ જોવા મળે છે. માર્ગ પર ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગના કારણે રાહદારીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મહિલાઓને પણ અવર જવરમાં મુશ્કેલી પડે છે. ટ્રાફિકની અડચણ વચ્ચે નાના-મોટા અકસ્માતોની શકયતા પણ સેવાઈ રહી છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પોલીસ તંત્ર તથા મામલતદાર કચેરી સમક્ષ આડેધડ પાર્કિંગ દુર કરાવવા તેમજ ટ્રાફિક પોલીસની નિમણુંક કરવા માંગ કરી છે.