
મહીસાગર જીલ્લા એલસીબીને વધુ એક સફળતા મળી છે. બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને એલસીબી પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.
દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી પ્રદીપ કેશવલાલ કલાલ, જે મૂળ ગલિયાકોટ, ડુંગરપુર (રાજસ્થાન)નો રહેવાસી છે, તે લુણાવાડા બસ સ્ટેશન નજીક જોવા મળ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને બાકોર પોલીસને સોંપી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.