
મહેસાણાના ખેરાલુ તાલુકામાં આવેલા રાઠોડપુરા ગામે પારિવારિક વિવાદે ભયાનક સ્વરૂપ લીધું છે. પૈસાના વિવાદને કારણે પુત્રએ પોતાના પિતાની લાકડાના ધોકાથી માથામાં ફટકા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાએ આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.મૃતકનું નામ લાલસિંહ રાઠોડ છે, જ્યારે આરોપી તેમનો પુત્ર મુકેશસિંહ રાઠોડ છે.
મળતી માહિતી અનુસાર, પૈસાની લેવડ-દેવડ અને પારિવારિક વિવાદને લીધે મુકેશસિંહે ગુસ્સે થઈને ઘરની નજીક લાકડાના મોટા ધોકા વડે પિતા લાલસિંહ પર હુમલો કર્યો હતો. માથા અને શરીરના અન્ય ભાગોમાં વારંવાર ફટકા મારવાથી લાલસિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ મૃતકની પુત્રીએ તાત્કાલિક ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પહોંચીને પોતાના ભાઈ મુકેશસિંહ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપી મુકેશસિંહ હજુ ફરાર છે માહિતી અનુસાર રાઠોડ પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી પૈસા અને મિલક્તને લઈને વારંવાર ઝઘડા થતા હતા.