લાંચ લેતા રંગેહાથ ઝડપાયા એસએમસીના ફાયર અધિકારી, કોર્ટે એક દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો સતત સામે આવી રહ્યા છે. સરકારી બાબુઓ દ્વારા લાંચ લેવાના બનાવો વધતા ચિંતા વ્યક્ત થઈ રહી છે. તેવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્ર્વર પટેલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાયા હતા. લાંચકાંડમાં ધરપકડ બાદ ઈશ્ર્વર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ઈશ્ર્વર પટેલે હોટલના ફાયર એનઓસી મંજૂર કરવા બદલ ફરીયાદી પાસેથી રૂ. ૧ લાખની લાંચ માગી હતી. આ બાબતે ફરીયાદીએ છઝ્રમ્માં ફરિયાદ નોંધાવતા ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. એસીબીની ટીમે મોગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળેથી ઈશ્ર્વર પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા. ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

તપાસ દરમિયાન ઈશ્ર્વર પટેલે એનઓસીના નામે લાખો રૂપિયા ખંખેર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંચની રકમમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તે બાબતે પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે. સાથે જ આરોપીના મિલક્તની પણ વિગતવાર તપાસ કરવામાં આવનાર છે.