
અમદાવાદના બગોદરામાં કોળી ઠાકોર સમાજની શૈક્ષણિક ચિંતન શિબિર યોજાઈ હતી. શિબિરમાં સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અપાયું હતું.બગોદરા ગામે કોળી ઠાકોર સમાજ દ્વારા પ્રથમ વખત ભવ્ય શૈક્ષણિક ચિંતન શિબિર અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બગોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત તેમજ ભારતભરના સમાજના આગેવાનો, શિક્ષણપ્રેમી લોકો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ મહાસંમેલનની વિશેષતા એ રહી કે રાજકીય ભેદભાવને ભૂલીને ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક જ મંચ પર જાવા મળ્યા. કાર્યક્રમમાં પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, હીરા સોલંકી તેમજ ગેનીબેન ઠાકોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સભામાં શિક્ષણને સમાજના વિકાસ માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન ગણાવીને યુવાનોને ઉચ્ચ અભ્યાસ તરફ પ્રેરિત કરવામાં આવ્યા. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ દ્વારા જ સમાજમાં નવી ઓળખ અને સશક્તિકરણ શક્ય છે.
આ ઉપરાંત, સમાજમાં વ્યાપેલા કુ-રિવાજા અને વ્યસનોને દૂર કરવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા યુવાનોને સકારાત્મક જીવનશૈલી અપનાવવા અને સમાજને આગળ વધારવા માટે પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમ દરમિયાન સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા માટે સંકલ્પ લેવાયો હતો, જેથી અનાવશ્યક ખર્ચ અને આડંબરને અટકાવી શકાય. આ મહાસંમેલન દ્વારા કોળી ઠાકોર સમાજે એકતા, શિક્ષણ અને સામાજિક સુધારણા તરફ મજબૂત પગલું ભર્યું છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, આ પહેલ ભવિષ્યમાં સમાજના સર્વાંગી વિકાસ માટે નવી દિશા નિર્ધારિત કરશે.