કાલોલના વેજલપુરના પાણીપૂરીવાળા યુવકને ઝેરી સાપ કરડતા સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડાયો

કાલોલ તાલુકાના વેજલપુર ગામના ખેડા ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય સુનિલકુમાર બિહારીને ઝેરી સાપ કરડ્યો છે. સુનિલકુમાર પાણીપૂરીનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઘટના સવારે તેમના ઘરના શૌચાલયમાં બની હતી.

સવારે સુનિલકુમાર શૌચાલયમાં કુદરતી હાજતે ગયા હતા. તે સમયે શૌચાલયની બારીમાં છુપાયેલા એક ઝેરી સાપે તેમના હાથ પર ડંખ માર્યો હતો. સાપ કરડતા જ યુવકે બૂમ પાડી હતી.

બૂમો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી સુનિલકુમારને પ્રાથમિક સારવાર આપી હતી.

પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત સુનિલકુમારને વધુ સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ગોધરા હોસ્પિટલમાં ડોકટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.