કાલોલ તાલુકામાં શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન: TET માંથી મુક્તિ અને OPS ની માંગણી સાથે બ્લેક ડે ની ઉજવણી

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ (GSPTF) અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ (AIPTF) ના સંયુક્ત આહ્વાન અંતર્ગત TET પરીક્ષામાંથી મુક્તિ અને જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવા બાબતે કાલોલ તાલુકાના શિક્ષકો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કાલોલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ જેવી કે એરાલ, ઘુસર, કાલોલ, વેજલપુર, મલાવ, વરવાળા, નવી કરોલી અને વ્યાસડા સહિતના વિવિધ ગામોની શાળાઓના શિક્ષકોએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાની ફરજ બજાવી હતી અને પોતાની વાજબી માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોર્યું હતું. જેમાં મુખ્યત્વે 

TET માંથી મુક્તિ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ૨૦૧૦ પહેલાના સેવા રત શિક્ષકો માટે TET ફરજિયાત બનાવવાના મુદ્દે શિક્ષકોમાં ભારે અસંતોષ છે, જેથી તમામ સેવા રત શિક્ષકોને આ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે.

જૂની પેન્શન યોજના (OPS): કર્મચારીઓ અને શિક્ષકોના ભવિષ્યની સુરક્ષા માટે જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપિત કરવાની માગણી કરવામાં આવી છે.

શિક્ષક સંઘ દ્વારા આગામી સમયમાં આ આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે, જેમાં દિલ્હી જંતર મંતર ખાતે રાષ્ટ્રીય કક્ષાના વિરોધ પ્રદર્શન અને ધરણા જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે.