કદવાલ તાલુકાના ભાભોર તળાવમાં પાણી હોવા છતાં ખેડુતો પાણીથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરોમાં ઉભો પાક પાણીના અભાવે સુકાઈ રહ્યો છે. કદવાલનુ ભાભોર તળાવ છલોછલ ભરેલુ હોવા છતાં ખેડુતોને સિંચાઈ માટે પાણી મળતુ ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

ભાભોર તળાવના રિપેરીંગ અને કેનાલના સમારકામ પાછળ એક વર્ષ પહેલા એક કરોડ ‚પિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે ખેડુતોના ખેતરો સુધી સિંચાઈનુ પાણી ન પહોંચતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. કદવાલ તેમજ આસપાસના પાંચ ગામોના ખેડુતો માટે ભાભોર તળાવ અને તેની કેનાલો સિંચાઈ માટે મહત્વપુર્ણ છે. અનેક ખેડુતો વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. અને સિંચાઈ માટે તેમની પાસે અન્ય કોઈ પુરતી વૈકલ્પિક સુવિધા નથી. હાલ વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાક સુકાવવાની ભિતી છે. ખેડુતો દ્વારા બિયારણ, ખાતર, દવા કે મજુરી પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. હવે જો સમયસર સિંચાઈનુ પાણી નહિ મળે તો પાકને નુકસાન થવાની ભિતી ખેડુતો વ્યકત કરી રહ્યા છે. ખેડુતોનો આક્ષેપ છે કે, સરકારી તિજોરીમાંથી સિંચાઈની સુવિધા ઉભી કરવા માટે મોટી રકમ ખર્ચવામાં આવે છે. પરંતુ યોગ્ય આયોજન અને કામગીરીના અભાવે તેનો વાસ્તવિક લાભ ખેડુતો સુધી પહોંચતો નથી. તળાવમાં પાણી હોવા છતાં કેનાલ મારફતે ખેતરો સુધી પાણી ન પહોંચતા ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.