જૂનાગઢમાં એસઓજીની મોટી કાર્યવાહી, નશીલી કફ સિરપ સાથે યુવક ઝડપાયો, ડ્રગ રેકેટ સુધી તપાસ

જૂનાગઢ શહેરમાં વધતા નશાના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મજેવડી દરવાજા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા સફળ ઓપરેશન કરીને એક યુવાનને નશીલી કફ સિરપ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી શહેરમાં નશાના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર ૨૦ વર્ષીય એસાન ઉર્ફે ‘લપ’ નામનો આરોપી એકટીવા પર નશીલો જથ્થો લઈને ગ્રાહકો સુધી પહોંચાડવા નીકળ્યો હતો. ત્યારે તેને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે ગેબનશા પીરની દરગાહ નજીક ચોક્કસ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી ત્યાંથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી રેકસક્રોન-ટી નામની નશીલી કફ સિરપની કુલ ૫૩ બોટલો મળી આવી હતી. આ ઉપરાંત આરોપી પાસેથી એકટીવા અને મોબાઈલ ફોન સહિત કુલ ૬૮૧૮૩ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે આ નશીલો જથ્થો મોરબીના કેતન નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસની એક ખાસ ટીમ મોરબી તરફ રવાના કરવામાં આવી છે. જેથી મુખ્ય સપ્લાયર સુધી પહોંચી શકાય. પ્રાથમિક તપાસમાં આ કેસ કોઈ મોટા ડ્રગ રેકેટ સાથે જાડાયેલો હોવાની શક્્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર નેટવર્કને તોડવા માટે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ કાર્યવાહી બાદ જૂનાગઢમાં નશાના કારોબારીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરને નશામુક્ત બનાવવા માટે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નશાના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને યુવાઓને આ બુરાઈથી દૂર રાખવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ પોલીસની આ કામગીરીને વખાણી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવી કાર્યવાહીથી શહેરમાં નશાનો પ્રસાર ઘટશે.