દેવઉઠની એકાદશીએ ઝાલોદના રાધેશ્યામ મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ સર્જાયો

શાલિગ્રામ ભગવાન અને તુલસીજીની ભવ્ય શોભાયાત્રામાં મહિલાઓએ નાચતા-ઝૂમતા અને રાસગરબાની રમઝટ બોલાવતા મીઠાચોકને ભક્તિમય બનાવ્યો, વૈદિક વિધિ-વિધાન સાથે તુલસી વિવાહ સંપન્ન.

ઝાલોદ નગરમાં દેવઉઠની એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રાધેશ્યામ મંદિર, મીઠાચોક ખાતે શ્રી રામ મહિલા ભજન મંડળના યજમાન પદે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના અનોખા માહોલ વચ્ચે ભગવાન શાલિગ્રામ અને તુલસીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ જોડાઈ ધન્યતા અનુભવી હતી.

બપોરે ૪-૦૦ વાગ્યે શ્રી રામદ્વારા મંદિર ખાતેથી શોભાયાત્રાનો ભક્તિમય પ્રારંભ થયો હતો. શોભાયાત્રા વ્હોરા બજાર, મસ્જિદ બજાર થઈ મીઠાચોક ખાતે આવેલા શ્રી રાધેશ્યામ મંદિર તરફ આગળ વધી હતી. શોભાયાત્રામાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીને ભક્તિભાવપૂર્વક શણગારીને બિરાજમાન કરવામાં આવ્યાં હતાં. સમગ્ર માર્ગ દરમિયાન ભક્તોએ જય શ્રી રામ અને રાધે-રાધેના જયઘોષ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

શોભાયાત્રામાં જોડાયેલી મહિલાઓએ નાચતા-ઝૂમતા, ભજન-કીર્તનના તાલે ગરબાની રમઝટ બોલાવતા અને પરંપરાગત રાસગરબા રમતાં રમતાં મીઠાચોક સુધી આગમન કર્યું હતું. મહિલાઓના ઉત્સાહ, ભક્તિભાવ અને સંગીતના સૂરોથી નગરના માર્ગો પર જાણે ભક્તિનો ઉત્સવ છવાઈ ગયો હતો. શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધા અને આનંદનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો.

શોભાયાત્રા શ્રી રાધેશ્યામ મંદિર ખાતે પહોંચતાં મંદિર સમિતિની બહેનોએ શ્રી રામ મહિલા ભજન મંડળની બહેનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ સ્વાગત પ્રસંગે પરસ્પર પ્રેમ, ભક્તિ અને ધાર્મિક એકતાની સુંદર ઝલક જોવા મળી હતી.

ત્યારબાદ શ્રી રાધેશ્યામ મંદિર ખાતે ભજન સંધ્યા અને ભગવાનને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. ભજન-કીર્તનના મધુર સૂરોથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. સાંજે ૬:૩૦થી ૭:૩૦ દરમિયાન ધાર્મિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભગવાન શાલિગ્રામ અને તુલસીજીના પવિત્ર વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ તુલસી વિવાહનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રાત્રે ૭:૩૦ કલાકે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. દીપમાળાની રોશની, ઘંટનાદ, શંખનાદ અને ભક્તોના જયઘોષથી મંદિરનું સમગ્ર વાતાવરણ દિવ્ય અને અલૌકિક બની ગયું હતું. આરતી બાદ ઉપસ્થિત ભક્તોએ ભગવાનનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

આ સમગ્ર ધાર્મિક મહોત્સવ શ્રી રામ મહિલા ભજન મંડળના યજમાન પદે તથા સનાતન હિન્દુ ઉત્સવ સમિતિ, ઝાલોદના આયોજન હેઠળ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો. મોટી સંખ્યામાં નગરજનો અને ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ દેવઉઠની એકાદશીના પર્વને યાદગાર બનાવ્યો હતો.