
-પાંચ થી છ જેટલી લોન લીધી હોવાથી આર્થિક મુશ્કેલી અને ચિંતામાં રહેતા હોવાની પ્રાથમિક વિગતો: ઝાલોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઝાલોદ તાલુકાના જેતપુર મછાર કળીયા ગામના ૩૦ વર્ષીય યુવકે આર્થિક મુશ્કેલીના કારણે ચિંતામાં આવી વેલપુરા ગામના જંગલમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર મછાર કળીયા ગામના રહેવાસી ઉમેશભાઈ હકલાભાઈ ડામોર (ઉં.વ. ૩૦), જેઓ ખાનગી નોકરી કરતા હતા, તેમણે પાંચથી છ જેટલી અલગ-અલગ લોન લીધી હોવાનું જાણવા મળ્યું છે. લોનના હપ્તા અને સતત નાણાંની જરિયાતને કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા અને ચિંતામાં રહેતા હતા.
આર્થિક મુશ્કેલીથી ચિંતિત થઈ ઉમેશભાઈ ઘરેથી નીકળી વેલપુરા ગામના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના પહેરેલા શર્ટ વડે ખાખરાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
આ બનાવ અંગે મૃતકના પિતા હકલાભાઈ બદીયાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન. એસ.એસ.-૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ એ.એસ.આઈ. વિનુજી મેજી કરી રહ્યા છે.