
શહેરમાં જાણીતી ‘જિમ લોન્જ’ સાથે જાડાયેલો કરોડો રૂપિયાની છેતરપિંડી નો કથિત કિસ્સો સામે આવ્યો છે. જિમના માલિકની ગેરહાજરી દરમિયાન બે કર્મચારીઓએ અગાઉ બંધ કરવામાં આવેલી ૧૦ હજાર રૂપિયામાં ૧૦ વર્ષની મેમ્બરશિપ સ્કીમ ફરી શરૂ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આ રીતે ૧૫૦૦થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.૧.૬૬ કરોડથી વધુની રકમ યુપીઆઇ રોકડ અને એક અલગ બેંક ખાતા મારફતે લેવામાં આવી હતી.
આ મામલે ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા જિમના માલિક વિજય સેંગરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, જિમ લોન્જના ૧૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ૧ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી રૂ.૧૦ હજારની ફીમાં ૧૦ વર્ષની મેમ્બરશિપ આપવાની ઓફર રાખવામાં આવી હતી. નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ આ સ્કીમ બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ નિયમિત દરે મેમ્બરશિપ આપવામાં આવતી હતી. સ્કીમ પૂરી થયા બાદ જિમના માલિક વિજય સેંગર નવા પ્રોજેક્ટના કામકાજ માટે લગભગ બે મહિના માટે બહારગામ ગયા હતા. તેમની ગેરહાજરી દરમિયાન જિમની જવાબદારી સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સોંપવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિજય સેંગર ૧૦ સપ્ટેમ્બરે પરત આવ્યા ત્યારે જિમમાં એવા ગ્રાહકો આવતા જાવા મળ્યા જેમણે સ્કીમ હેઠળ મેમ્બરશિપ માટે રકમ ચૂકવી હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જાકે, આ રકમ જિમના સત્તાવાર બેંક ખાતામાં જમા થઈ ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં માલિકને જાણ થઈ હોવાનો ફરિયાદમાં દાવો છે કે, તેમની ગેરહાજરી દરમિયાન અગાઉ બંધ કરાયેલી ૧૦ હજાર રૂપિયાની ૧૦ વર્ષની મેમ્બરશિપ સ્કીમ ફરીથી ચલાવવામાં આવી હતી. તમામ બ્રાન્ચના સ્ટાફને પણ આ સ્કીમ ચાલુ હોવાનું જણાવાયું હોવાનો આક્ષેપ છે.ફરિયાદ મુજબ, બ્રાન્ચ મેનેજર મનીષ શર્મા ગ્રાહકોને એજન્ટ તરીકે મળતો હતો અને તેમને આ મેમ્બરશિપ સ્કીમ અંગે માહિતી આપતો હતો. ત્યારબાદ ગ્રાહકો પાસેથી યુપીઆઇ અને રોકડ મારફતે રકમ મેળવી મેમ્બરશિપ આપવામાં આવતી હતી, પરંતુ આ પૈસા જિમના સત્તાવાર ખાતામાં જમા કરવામાં આવતા ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલામાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સેન્ટર હેડ જૈનિશ શુક્લાએ તેમની પત્ની ભારતી શુક્લા સાથે મળીને પોતે જિમના ભાગીદાર હોવાનો દર્શાવતું કથિત ખોટું એગ્રીમેન્ટ તૈયાર કર્યું હતું. આ એગ્રીમેન્ટના આધારે જિમના નામ સાથે મળતું આવતું બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં દાવો છે. આ ખાતામાં પણ જિમની મેમ્બરશિપના પૈસા લેવામાં આવતા હોવાનું જણાવાયું છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જૈનિશ શુક્લા, મનીષ શર્મા અને ભારતી શુક્લાએ મળીને ૧૫૦૦થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.૧.૬૬ કરોડથી વધુની રકમ મેળવી હોવાનો આક્ષેપ છે. આ રકમ યુપીઆઇ રોકડ તેમજ ઉપરોક્ત બેંક ખાતા મારફતે લેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મામલો સામે આવ્યા બાદ જિમના માલિક વિજય સેંગરે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલામાં કથિત એગ્રીમેન્ટ, બેંક ખાતાની વિગતો, ગ્રાહકો પાસેથી લેવામાં આવેલી રકમ અને ટ્રાન્ઝેક્શન સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.