
રાજ્યમાં ગીર-સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મંજૂરી વગર જ માંદગીની રજા પર ઉતરી જતા તેમની સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ તેમનીસામે એક્શન લીધા છે. પોલીસ ઇન્સ્પેક્ટર મંજૂરી વગર જ માંદગીની રજા પર જતાં જિલ્લા પોલીસ વડાએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. આ પગલાંના લીધે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ ફરજ બજાવે છે. તેઓ ફરજ પર મંજૂરી ન હોવા છતાં પણ રજા પર ઉતર્યા હતા. તેમણે પોતાના ભત્રીજાના લગ્ન માટે રજા માંગી હતી. પૂરતા રજાઓ મંજૂર ન થતાં તેઓ મંજૂરી વગર જ માંદગીની રજા પર ઉતરી ગયા હતા. તેના કારણે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ તેમની સામે આકરા પગલાં લઈ સસ્પેન્ડ કરી દીધા હતા.
પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર એમ વી પટેલ સામે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહે તાત્કાલિક અસરથી સસ્પેન્શનની કાર્યવાહીએ પોલીસ બેડાને સ્તબ્ધ કરી દીધું છે. જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીને કારણે સમગ્ર જિલ્લામાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. આ પગલાંના કારણે અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓમાં પણ રજા માંગવાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.