હું છેલ્લા અઢી વર્ષથી મુખ્યમંત્રી છું અને રહીશ, સિદ્ધારમૈયાએ ભાજપના પ્રશ્નના જવાબમાં વિધાનસભામાં કહ્યું

કર્ણાટક વિધાનસભાના શિયાળુ સત્રમાં મુખ્યમંત્રી પદનો મુદ્દો છવાયેલો રહ્યો. ભાજપ હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે ચાલી રહેલા ઝઘડા પર પણ સવાલ ઉઠાવી રહી છે. ખુદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આનો જવાબ આપ્યો છે. હકીક્તમાં, વિધાનસભાના છેલ્લા દિવસે, મુખ્યમંત્રીએ ઉત્તર કર્ણાટકના વિકાસ પર ચર્ચાનો જવાબ આપવો પડ્યો.

મુખ્યમંત્રી ઉભા થતાંની સાથે જ, ભાજપના નેતાઓ આર. અશોક અને સુનીલ કુમારે તેમને પૂછ્યું કે શું તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે. મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે લોકોએ તેમના પક્ષને પાંચ વર્ષ માટે ચૂંટ્યો છે, અને આ પાર્ટીનો આંતરિક મામલો છે. ગૃહમાં તેની ચર્ચા કરવી બિનજરૂરી છે.

જ્યારે ભાજપના નેતાઓ વારંવાર અને વિવિધ રીતે પ્રશ્ર્નો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે મુખ્યમંત્રીને બોલવાની ફરજ પડી, તેમણે કહ્યું, તેઓ છેલ્લા અઢી વર્ષથી મુખ્યમંત્રી છે અને ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી રહેશે.

ગયા મહિને, ડીકે શિવકુમારે મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો અને પરોક્ષ રીતે સિદ્ધારમૈયાને પદ છોડવા કહ્યું હતું. હાઇકમાન્ડે બંને વચ્ચે બેઠક ગોઠવી હતી અને વચન આપ્યું હતું કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. ત્યારથી, મુખ્યમંત્રીએ કહ્યું છે કે મુખ્યમંત્રી બદલવાનો અંતિમ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડનો છે, પરંતુ આજે, વિપક્ષી પક્ષોએ સિદ્ધારમૈયાને ગૃહમાં રેકોર્ડ પર કહેવા માટે દબાણ કર્યું કે તેઓ મુખ્યમંત્રી રહેશે.

ગુરુવારે રાત્રે, સીએમ સિદ્ધારમૈયાએ મંત્રી સતીશ જરકીહોલીના નિવાસસ્થાને તેમના નજીકના મંત્રીઓ સાથે રાત્રિભોજન કર્યું હતું. રાત્રિભોજનમાં ડીકે શિવકુમારની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. ડીકેના સમર્થક ધારાસભ્ય ઇકબાલ હુસૈને દાવો કર્યો હતો કે ડીકે શિવકુમારને ૬ કે ૯ જાન્યુઆરીએ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવશે.

સૂત્રો સૂચવે છે કે આજે વિધાનસભાનું શિયાળુ સત્ર સમાપ્ત થયા પછી, પાર્ટીનું ટોચનું નેતૃત્વ બંને નેતાઓને દિલ્હી બોલાવશે. મુખ્યમંત્રી મુદ્દાને ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવશે.