હિંમતનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના આઉટસોર્સ ટેન્ડર સાથે જોડાયેલી ગંભીર ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ટેન્ડરની મુદત લંબાવવા માટે રૂ. ૨૭.૨૩ લાખથી વધુની બનાવટી બેંક ગેરંટી રજૂ કરીને ઠગાઈ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે બે આરોપીઓ સામે ગુનો નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન આઉટસોર્સ માનવબળ પૂરું પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર ઉમા એન્ટરપ્રાઈઝના નામે મંજૂર થયું હતું, જેની કુલ કિંમત અંદાજે રૂ. ૫.૪૪ કરોડ હતી.
ટેન્ડરની મુદત પૂર્ણ થયા બાદ તેને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી હતી. નિયમો મુજબ મુદત લંબાવવા માટે ટેન્ડરની કુલ રકમના પાંચ ટકા મુજબ રૂ. ૨૭,૨૩,૬૩૯ની સિક્યુરિટી ડિપોઝિટ સ્વરૂપે બેંક ગેરંટી જમા કરાવવાની હતી. ફરિયાદ અનુસાર, આરોપીઓએ ગાંધીનગર સ્થિત એક બેંકના નામે બનાવટી બેંક ગેરંટી તૈયાર કરી તેને અસલી હોવાનું દર્શાવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રજૂ કરી હતી. ત્યારબાદ ચકાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓ સામે બનાવટી દસ્તાવેજ તૈયાર કરવા, તેનો અસલી તરીકે ઉપયોગ કરવા તેમજ છેતરપિંડી સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે બનાવટી બેંક ગેરંટી કેવી રીતે તૈયાર કરવામાં આવી, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને સમગ્ર કૌભાંડનું નેટવર્ક શું છે તે દિશામાં તપાસ કરી રહી છે.