ગોધરામાં 4.64 કરોડની ખનીજ ચોરી:સરકારી અને ગૌચર જમીનમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ખાણખનીજ વિભાગે GPS મશીનથી માપણી કરતા કુલ 4.64 કરોડ રૂપિયાની માટી અને મોરમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગઈકાલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામીતની સૂચનાથી માઈન્સ સુપરવાઈઝર કેયુરકુમાર સેંજલીયાએ નદીસર ગામે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ગામની ગૌચર જમીન અને સરદાર સરોવર પુનઃવસવાટ માટે ફાળવેલ જમીનના વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. GPS મશીન દ્વારા કરાયેલી માપણીમાં કુલ 1,89,003 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું બિન-અધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું છે.

નદીસર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ પણ આ મામલે લેખિત રજૂઆત કરી હતી. તેમણે કબીરપુરના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડ, અજયભાઈ જોગાભાઈ ભરવાડ અને વિરમભાઈ ગોકલભાઈ ભરવાડ દ્વારા આ ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ખાણખનીજ વિભાગે કરેલી ગણતરી મુજબ, ખનીજની કિંમત 3.33 કરોડ રૂપિયા અને પર્યાવરણીય નુકસાનનો દંડ 1.31 કરોડ રૂપિયા મળી કુલ 4,64,67,563 રૂપિયાની વસૂલાત માટે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 324(3), 54 અને માઈન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.