ગોધરાના જ્વેલરી બજારમાં ધનતેરસે સોનાના ભાવમાં ધટાડો થતા ખરીદી વધી રૂ.૧૫ થી રૂ.૨૦ કરોડના વેચાણનો વેપારીઓનો અંદાજ

ધનતેરસના પવિત્ર પર્વ નિમિત્તે પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાના વિવિધ જ્વેલરી શો‚મમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સોનાના ભાવમાં થયેલો આંશિક ઘટાડો અને શુક્રવારનો શુભ સંયોગ હોવાને કારણે લોકો મોટી સંખ્યામાં સોના-ચાંદીની ખરીદી કરવા માટે બજારમાં પહોંચ્યા હતા. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન સાથે સોના-ચાંદી તેમજ કિંમતી ધાતુઓની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવતી હોવાથી સરાફા બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સિક્કા, બિસ્કિટ અને હળવા દાગીનાની માંગ વધી ધનતેરસના તહેવાર પર લોકો પોતાની ક્ષમતા અનુસાર સોના-ચાંદીના સિક્કા, બિસ્કિટ તેમજ વિવિધ ડિઝાઇનના દાગીના ખરીદી રહ્યા છે. આ વર્ષે શુક્રવારે ધનતેરસ આવતાં ગ્રાહકો સોના-ચાંદી ઉપરાંત ૧ ગ્રામના દાગીના ખરીદવામાં પણ વિશેષ રસ દર્શાવી રહ્યા છે. વેપારી દિપક સોનીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ઘરાકીમાં અંદાજે ૨૫ ટકાનો સુધારો નોંધાયો છે, જેનાથી વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે.

પંચમહાલ જીલ્લામાં કરોડનો વેપાર થવાનો અંદાજ ગોધરાના અગ્રણી સોનાના વેપારી નયન શેઠે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ આ વખતે ગ્રાહકોના પ્રતિસાદમાં બમણો વધારો જોવા મળ્યો છે. શુક્રવારના શુભ મુહૂર્તમાં સમગ્ર પંચમહાલ જીલ્લામાં અંદાજે રૂ.૧૫ થી રૂ.૨૦ કરોડ સુધીનું સોના-ચાંદીનું વેચાણ થાય તેવી શક્યતા છે. તહેવારોની મોસમમાં ખરીદીના પગલે ગોધરાના તમામ મુખ્ય જ્વેલરી શોરૂમમાં મોડી રાત સુધી ગ્રાહકોની ચહલપહલ જળવાઈ રહી હતી.