રાજકોટના થોરાળા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. પૈસાની લેતી-દેતી મામલે ત્રણ સગા ભાણેજાએ જ પોતાના સગા મામાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા છે. ઉછીના આપેલા માત્ર ૬૦ હજાર રૂપિયાની ઉઘરાણી લોહિયાળ બની ગઇ હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત જાઇએ તો, આજથી સાત મહિના પહેલા ચીનાભાઇને પોતાની બીમારીની સારવાર માટે પૈસાની જરૂર પડી હતી. તેમણે પોતાના સગા ભાણેજ કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર પાસેથી ઉછીના રોકડા ૬૦ હજાર રૂપિયા લીધા હતા. આ પૈસા પરત આપવાના બાકી હતા અને ભાણેજ અવાર નવાર પૈસા પરત માંગતો હતો. મામાએ કહ્યું હતું કે, હાલ મારી પાસે પૈસા નથી, જ્યારે સગવડ થશે ત્યારે આપી દઇશ.
૨ નવેમ્બર સાંજના ૭ઃ૩૦ વાગ્યે ચીનાભાઇ કુબલીયાપરામાં ચંદ્રીકા પાન પાસે ઉભા હતા. આ દરમિયાન ત્રણેય સગા ભાણેજ- કમલેશ ઉર્ફે યોગો રાજેશભાઇ પરમાર, વિજયભાઇ રાજેશભાઇ પરમાર અને અમીત ઉર્ફે હોજરી રાજેશભાઇ પરમાર ત્યાં આવ્યા હતા.
ત્રણેયે મામાને કહ્યું હતું કે, અમે તમને ૬૦ હજાર રૂપિયા આપ્યા તે કેમ પાછા આપતા નથી. મામાએ ફરી એ જ જવાબ આપ્યો કે, હાલ પૈસાની સગવડ નથી, સગવડ થશે ત્યારે બધા પૈસા પરત આપી દઇશ. આ વાતથી ભાણેજ ઉશ્કેરાઇ ગયો હતો અને ત્રણેય ભાણેજ મામાને માર મારવા લાગ્યા હતા.
મારામારી દરમિયાન કમલેશે તીક્ષ્ણ હથિયાર દ્વારા મામાના ડાબી સાઇડના પડખામાં ઘા માર્યો હતો. ઘા વાગતા જ મામા ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન મામાની દીકરી, ભાઇ તથા પત્ની આવી જતા ઝઘડો કરતા ત્રણેય ભાઇઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા ચીનાભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોÂસ્પટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતક હોશમાં હોવાથી ખુદ તેમણે જ સારવાર દરમિયાન ફરિયાદ નોંધાવી હતી. જાકે, ૪ નવેમ્બરના સારવાર દરમિયાન તેમનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આ ફરિયાદના આધારે હુમલો કરનારા ત્રણ લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાને લઇને એસીપી બી.વી.જાધલે જણાવ્યું હતું કે, થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીનાભાઇએ તેમના સગા ભાણેજ પાસેથી ઉછીના ૬૦ હજાર રૂપિયા લીધા હતા. આ પૈસા બાબતે માથાકૂટ થતા તીક્ષ્ણ હથિયાર દ્વારા ચીનાભાઇ પર હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ફરિયાદીનું નિધન થયું છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલું છે.