
દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન ગીરના જંગલમાં પ્રવાસીઓની અવરજવર વધવાની શક્્યતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે એશિયાટિક સિંહોની સુરક્ષા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર લાયન શો અને વન્ય પ્રાણીઓને ખોરાક આપીને કે અન્ય રીતે લલચાવીને તેમની કુદરતી વર્તણૂકમાં ખલેલ પહોંચાડવાની પ્રવૃત્તિઓ અટકાવવા ગીર પૂર્વ વન વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. આ માટે ખાસ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને જંગલ તથા આસપાસના વિસ્તારોમાં મેગા પેટ્રોલિંગ હાથ ધરાયું છે.
ગીર પૂર્વ ડિવિઝન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. વન વિભાગની અલગ-અલગ રેન્જની ટીમોને પણ સક્રિય કરવામાં આવી છે. આ ટીમો જંગલ વિસ્તાર અને આસપાસના સંવેદનશીલ સ્થળોએ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શંકાસ્પદ વાહનો અને ગતિવિધિઓની તપાસ ઉપરાંત જરૂરિયાત મુજબ નાકાબંધી પણ કરવામાં આવી રહી છે.
વન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિંહો કે અન્ય વન્ય પ્રાણીઓને તેમના કુદરતી આવાસમાં ખલેલ પહોંચાડવી, તેમને લલચાવીને નજીક બોલાવવા અથવા ગેરકાયદેસર લાયન શો યોજવા જેવી પ્રવૃત્તિઓ ગંભીર ગુનો છે. આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસીઓની વધતી અવરજવર વચ્ચે વન વિભાગની આ કામગીરીનો મુખ્ય હેતુ સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓનું કુદરતી વાતાવરણ જાળવવાનો તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનો છે.