
પંચમહાલના ગોધરા તાલુકાના માલુ ગામમાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે સરપંચ પદની અનામત બેઠક અને વોર્ડ રચનાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓથી સતત અનુસૂચિત જનજાતિ (ST) સમાજ માટે જ સરપંચ પદ અનામત રાખવામાં આવતું હોવાના આક્ષેપ સાથે બક્ષીપંચ (OBC) સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
આ મામલે બક્ષીપંચ સમાજના આગ્રેણી બારૈયા વિનોદભાઈ કલ્યાણજી સહિતના સ્થાનિક ગ્રામજનોએ જીલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીને આવેદનપત્ર પાઠવીને રોટેશન પદ્ધતિ મુજબ જ બેઠકોની ફાળવણી કરવાની માંગ કરી છે.
દાયકાઓથી એક જ વર્ગ માટે બેઠક અનામત હોવાનો આક્ષેપ : આવેદનપત્રમાં કરવામાં આવેલી રજૂઆત મુજબ, માલુ ગ્રામ પંચાયતમાં વર્ષ 1995થી અત્યાર સુધી સતત એસ.ટી. (ST) સમાજ માટે જ સરપંચ પદ અનામત રાખવામાં આવ્યું છે.
૧૯૯૫ થી ૨૦૦૦
૨૦૦૧ થી ૨૦૦૫
૨૦૦૬ થી ૨૦૧૦
૨૦૧૧ થી ૨૦૧૫
૨૦૧૬ થી ૨૦૨૦
૨૦૨૧ થી ૨૦૨૫ તમામ સમયગાળા દરમિયાન એસ.ટી. અનામત બેઠક જ ફાળવવામાં આવી હતી. એટલું જ નહીં, આગામી ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી અનામત યાદીમાં પણ ફરીથી એસ.ટી. સમાજને જ સ્થાન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.
વસ્તીના આંકડા અને નિયમોનો હવાલો : આવેદનપત્રમાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર માલુ ગામની કુલ વસ્તી ૩,૪૦૪ હતી.
સમાજ / વર્ગ વસ્તીનું પ્રમાણ
બક્ષીપંચ (OBC) સમાજ ૨,૨૦૫
અનુસૂચિત જનજાતિ (ST) સમાજ ૧,૧૧૦
અનુસૂચિત જાતિ (SC) સમાજ ૮૮
બક્ષીપંચ સમાજની વસ્તી સૌથી વધુ હોવા છતાં દર વખતે એસ.ટી. અનામત બેઠક ફાળવાતી હોવાથી સ્થાનિક ગ્રામજનોમાં અન્યાયની ભાવના ઘર કરી ગઈ છે.
રોટેશન પદ્ધતિના પાલનની માંગ : ગુજરાત ગ્રામ પંચાયત સરપંચ રોટેશન લ્સ ૧૯૯૪ના નિયમ ૪, ૫ અને ૬નો હવાલો આપીને આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોઈપણ એક કેટેગરીને સતત બે ટર્મથી વધુ સમય માટે અનામત ફાળવી શકાય નહીં અને રોટેશન પદ્ધતિનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. સરપંચ પદ ઉપરાંત વોર્ડવાર બેઠકોની ફાળવણીમાં પણ વસ્તીના પ્રમાણ અને રોટેશનને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી છે.