ઘોઘંબાના બોર પીપરીયા ગામે સૂતેલા બાળકને ડંખ માર્યો, ટૂંકી સારવાર બાદ મોત

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના બોર પીપરીયા ગામે સાપ કરડવાથી બે વર્ષના બાળકનું મોત થયું છે. વહેલી સવારે ઘરમાં સૂતેલા બાળકને ઝેરી સાપે ડંખ માર્યો હતો, જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવા છતાં બચાવી શકાયો ન હતો.

બોર પીપરીયા ગામના જગદીશભાઈ બારીયાનો બે વર્ષનો પુત્ર અસ્મિત જગદીશભાઈ બારીયા પોતાના ઘરમાં સૂતો હતો. વહેલી સવારે જ્યારે તે ગાઢ નિદ્રામાં હતો, તે દરમિયાન અચાનક એક ઝેરી સાપે તેને ડંખ માર્યો હતો. સાપ કરડ્યો હોવાની જાણ થતાં જ પરિવારજનો તાત્કાલિક બાળકને ગંભીર સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબો દ્વારા તેને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ અસ્મિતે દમ તોડી દીધો હતો.

બે વર્ષના અસ્મિતના આ અકાળ અવસાનને પગલે બોર પીપરીયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બારીયા પરિવારમાં આ ઘટનાથી ગમગીની છવાઈ ગઈ છે.