ખેલાડીઓએ રમતમાં હિંમત અને આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરવું જોઈએ.-સાંસદ જશવંતસિંહ ભાભોર
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અભલોડ ગામના સરવાઈ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા – 2025 સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા હેઠળ શુભારંભ કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય થકી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓએ પ્રાર્થના ગીત તેમજ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું. આ કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરએ સૌ ખેલાડીઓને આ સ્પર્ધામાં ભાગ લઈને ગરબાડા સહિત દાહોદ જીલ્લાનું નામ રોશન કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાર-જીતની ચિંતા કર્યા વગર સૌ આ સ્પર્ધામાં ભાગ લે તે મહત્વનું છે.
આ કાર્યક્રમ સંદર્ભે પ્રાસંગિક પ્રવચન આપતાં સાંસદ જશવંતસિંહ ભાભોરએ ખેલાડીઓએ રમતમાં હિંમત અને આત્મવિશ્ર્વાસ સાથે મેદાનમાં ઉતરવું જોઈએ એમ કહેતાં જણાવ્યું હતું કે, ગરબાડા તાલુકાના તમામ ખેલાડીઓ આ સ્પર્ધામાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈને પોતાના પરિવાર, ગરબાડા તાલુકા સાથે આખા દાહોદનું નામ રોશન કરે. આ સ્પર્ધામાં ઉમરને કોઈ બાધ નથી. 60 વર્ષ સુધીની વયની કોઇપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલાડીઓને રમવા અને પોતાની ક્ષમતા-આવડતને તક આપી છે એનો સૌ ખેલાડીઓએ પૂરો લાભ લેવો જોઈએ. રમતમાં જીતવું એ ગૌણ છે પરંતુ ભાગ લેવો એ મહત્વનું છે. તેથી ગરબાડા તાલુકાના હર કોઈ ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ જોડાય અને પોતાને મળેલી તકને વ્યર્થ જવા દેવી નહી.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સહિત અન્ય ઉપસ્થિત મહાનુભાવો/પદાધિકારીઓએ નેશનલ/જીલ્લા/તાલુકા લેવલે ઉત્તમ દેખાવ કરનાર શિક્ષકો/ખેલાડીઓનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ અન્વયે ઉપસ્થિત સૌએ ખેલ શપથ લીધા હતા. એ સાથે સાંસદ જશવંતસિંહ ભાભોર, જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરએ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવીને ખેલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.
આ દરમ્યાન જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સહિત જીલ્લા રમત વિકાસ અધિકારી, જીલ્લા રમત-ગમત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સરપંચ, તાલુકા પ્રમુખ, તાલુકા-જીલ્લા સભ્યઓ, મેડીકલ ટીમ અભલોડ, પોલીસ જવાનો, શિક્ષકઓ, વિદ્યાર્થીઓ, રમત-ગમત કોચ તેમજ વિવિધ રમતોના ખેલાડીઓ હાજર રહ્યા હતા.