દાહોદ જીલ્લામાં ૧૮૮ આંગણવાડી કેન્દ્રોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી શરૂ

દાહોદ જીલ્લામાં આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ અસરકારક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ‚પે જીલ્લામાં કુલ ૧૮૮ આંગણવાડી કેન્દ્રોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પગલાંથી આઈ.સી.ડી.એસ હેઠળ ચાલતી સેવાઓમાં પારદર્શિતા, ઝડપી અહેવાલીકરણ અને ડેટા આધારિત મોનીટરીંગ સુગમ બનશે.

ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થતાં આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ, માતા-શિશુ આરોગ્ય, પ્રિ-સ્કૂલ શિક્ષણ, રેકોર્ડ અપડેટ, ઓનલાઈન રિપોર્ટિંગ અને સરકારી પોર્ટલ પર સમયસર માહિતી અપલોડ કરવી સરળ બનશે. પરિણામે લાભાર્થીઓને મળતી સેવાઓની ગુણવત્તા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે.

આ પહેલથી જીલ્લાકક્ષાએ યોજનાઓના અમલની સમીક્ષા, ડેટા સંકલન અને રિયલ-ટાઈમ મોનીટરીંગ વધુ મજબૂત બનશે. ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં ડિજીટલ સુવિધાઓ પહોંચતા સેવાઓમાં સમાનતા સુનિશ્ચિત થશે અને આંગણવાડી કેન્દ્રોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો હેતુ સિદ્ધ થશે.

આગામી સમયમાં બાકીના કેન્દ્રોમાં પણ આવશ્યક ટેકનોલોજીકલ સુવિધાઓ પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી આઈ.સી.ડી.એસ સેવાઓ વધુ સશક્ત અને અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચે.