બુલેટ પર સવાર થઈ રાજકોટ કમિશનર ફિલ્ડમાં ઉતર્યા, રસ્તા પર થૂંકનાર પાસે જ સફાઈ કરાવી

રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પોતે બુલેટ પર સવાર થઈને ફિલ્ડમાં ઉતર્યા હતા. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ સાથે તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.કમિશનર જ્યુબિલી રોડ, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન જાહેર રસ્તા પર થૂંકીને ગંદકી કરનાર એક નાગરિક સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. નાગરિકને જે સ્થળે થૂંકીને ગંદકી કરી હતી, એ જ સ્થળે તેની પાસે સફાઈ કરાવવામાં આવી હતી.

કમિશનરની ફિલ્ડ મુલાકાત દરમિયાન જ્યુબિલી વિસ્તારમાં એક નાગરિક જાહેર રસ્તા પર થૂંકતો નજરે પડ્યો હતો. તુષાર સુમેરાએ તેને સ્થળ પર જ રોક્યો હતો. જાહેર જગ્યાને ગંદી કરવા અંગે નાગરિકને સમજ આપવામાં આવી હતી અને માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે જે જગ્યાએ ગંદકી કરવામાં આવી હતી ત્યાં જ તેની પાસે સફાઈ કરાવવામાં આવી હતી. આ કાર્યવાહીનો હેતુ નાગરિકોને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે જવાબદારીનું ભાન કરાવવાનો હતો.મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ સાથે બુલેટ પર શહેરના રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે જ્યુબિલી, લીમડા ચોક અને યાજ્ઞિક રોડ જેવા સતત વ્યસ્ત રહેતા વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કમિશનરે રોડ, ફૂટપાથ અને જાહેર જગ્યાઓની Âસ્થતિ જાતે નિહાળી હતી. તેમની સાથે સફાઈ સુપરવાઈઝરો અને શાખાની ટીમ પણ હાજર રહી હતી. કમિશનરના સરપ્રાઈઝ ચેકિંગને કારણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ કામગીરીમાં સક્રિય બન્યા હતા.

જ્યુબિલી રોડ પર લારી-થડાવાળાઓ અને વેપારીઓને પણ સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. કમિશનરે વેપારીઓને સમજાવ્યું કે વેપાર કરીને રોજગારી મેળવવાની સાથે પોતાના વેપારના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ તેમની છે. જે લારી કે વેપારીના સ્થળની આસપાસ કચરો જાવા મળ્યો હતો, ત્યાં વેપારીઓ પાસે જ કચરો સાફ કરાવવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં દુકાન કે લારીની આસપાસ વારંવાર કચરો જાવા મળશે અથવા ગ્રાહકો દ્વારા થતી ગંદકી અંગે બેદરકારી દાખવવામાં આવશે તો દંડાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

સ્વચ્છતા ઝુંબેશ અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા એ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખે છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક બેદરકાર નાગરિકો ક્ષણિક બેદરકારીથી રસ્તા પર કચરો ફેંકે છે અથવા જાહેરમાં થૂંકે છે. આવી વર્તણૂકને હવે ચલાવી લેવામાં આવશે નહીં. કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ‘મહાનગરપાલિકા સફાઈ કરશે અને નાગરિક ગંદકી કરશે’ તેવી માનસિકતા સ્વીકારવામાં નહીં આવે. જાહેર રસ્તા અને ફૂટપાથ સૌની સામૂહિક મિલકત છે, તેથી તેને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર મહાનગરપાલિકાની નહીં પરંતુ દરેક નાગરિકની પણ છે.મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. જાહેરમાં કચરો ફેંકનારા, ગંદકી ફેલાવનારા અને રસ્તા પર થૂંકનારા લોકો સામે સ્પોટ એક્શન કરવાની સાથે જરૂરી કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.