બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. વડગામ તાલુકાના ધનાપુરા ગામના પાટીયા પાસેથી અજાણ્યા ઈસમ દ્વારા ચાર વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું. જેના કારણે બનાસકાંઠા પોલીસે તુરંત જ ઓપરેશન દેવ હાથ ધર્યું હતું અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસના કારણે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલા બાળકને હેમખેમ છોડાવી લેવાયું છે. સાથે જ બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા મેપડા અને ખાપરાના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે, તે ખુબ ચોંકાવનારી છે. આરોપીઓએ આ અગાઉ પણ એક મહિનાના નવજાત બાળકને એક લાખ રૂપિયામાં હિન્દી ભાષી ઈસમને વેચી દીધું હોવાની કબૂલાત કરી છે. વધુમાં પૈસા માટે યુવતીઓના સોદા કરી તેમના લગ્ન કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યા બાદ ટ્રેન મારફતે બાળ તસ્કરી કરતા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર (રહે. મેપડા, તા. વડગામ) પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ મેતાભાઈ ભગોરા (રહે. ખાપરા, તા. અમીરગઢ)
આરોપીઓ પૈસાની લાલચમાં આવીને બાળ તસ્કરી કરતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને શક્્ય છે કે, આમાં અન્ય લોકો પણ સામેલ હોય. બનાવને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળકોની સુરક્ષાને લઈને સરકાર અને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ આવા બનાવો બની રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાથી જનતામાં પણ જાગૃતિ આવશે અને તેઓ બાળકોની સુરક્ષાને લઈને વધુ સતર્ક બનશે.