અમીરગઢ બોર્ડર પરથી પાર્સલની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક પકડાયુંઃ ૮૬૪ બોટલો ઝડપી પાડી

અમીરગઢ બોર્ડર પરથી ખાનગી બસમાં પાર્સલની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો અમીરગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર અને ક્લીનરને અટકાયતમાં લીધા છે.

ગુજરાત અને રાજસ્થાનની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અનેક વખત બુટલેગરો વિવિધ કીમિયાઓ અજમાવી માદક પદાર્થો તેમજ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ પોલીસની સતર્કતા અને સતત વાહન તપાસને કારણે દારૂ અને નસીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસે તે પહેલાં જ ઝડપી લેવામાં આવે છે. તાજેતરમાં વધુ એક સફળતા મેળવી છે.અમીરગઢ પોલીસને ખાનગી માહિતી મળી હતી કે રાજસ્થાનના આબુરોડથી પાલનપુર તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બસની તપાસ કરી.

ડિકીમાં અલગ-અલગ પાર્સલમાંથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી. પોલીસે બસમાંથી ૨૧ પેટીમાં ભરેલી કુલ ૮૬૪ દારૂની બોટલો ઝડપી પાડી છે, જેની કિંમત આશરે ૩.૪૯ લાખ રૂપિયાથી વધુ છે.આ મામલે અમીરગઢ પોલીસે બસના ૩૮ વર્ષીય ડ્રાઈવર ભાગીરથરામ બિશ્નોઈ (રહે. ભોજાસર, તા. લોદી, જિ. જાધપુર, રાજસ્થાન) અને ૨૭ વર્ષીય ક્લીનર રામકિશન બિશ્નોઈ (રહે. પોખરણ, જિ. જેસલમેર, રાજસ્થાન)ને અટકાયતમાં લીધા છે.

બંને સામે અમીરગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ ભરાવનાર અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ સામે વધુ તપાસ ચાલી રહી છે.અમીરગઢ પોલીસ મથકના પીઆઈ બી.ડી. ગોહિલે જણાવ્યું કે, “બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી ગુનો નોંધવામાં આવ્યો છે અને અન્ય સંડોવાયેલાઓની તપાસ ચાલુ છે.”