
અમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ (ઉમલા) તળાવમાં 16 ડિસેમ્બરની સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. તળાવમાં 150 જેટલા કાચા-પાકા મકાનો ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ ખાલી ન કરવામાં આવતા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
મકાનો તોડી પાડવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની નજર સામે જ ઘર તબાહ થતાં જોઈને મહિલાઓ, બાળકો અને પુરુષો જેવા પુુરુષો પણ રડી પડ્યાં હતાં. મહિલાઓની તો રડી રડીને હાલત ખરાબ થઈ જવા પામી હતી. આ દરમિયાન એક મહિલા બેભાન પણ થઈ ગઈ હતી. સ્થાનિકોની માગ છે કે, અમે બીજે જવા માટે તૈયાર છીએ, પરંતુ અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા આપવામાં આવી નથી.
મનસ્વી નામની બાળકીએ રડતા-રડતા જણાવ્યું હતું કે, મારા દાદા પેરેલાઇઝ છે અને મારી માતાનું પણ ઓપરેશન કરેલું છે, હું છેલ્લા એક મહિનાથી સ્કૂલે ગઈ નથી. જ્યારથી અમને નોટિસ આપવામાં આવી છે, ત્યારથી અમે ગયા નથી. મારુ ભણતર બગડ્યું છે. વર્ષોથી અમે અહીંયા રહેતા હોવા છતાં પણ અમને હવે મકાન ખાલી કરી દેવા કહેવામાં આવ્યું. જો અમને બીજે ક્યાંય મકાન આપવામાં આવે તો અમે જવા માટે તૈયાર છીએ.