અમરેલીમાં ભાજપ શાસનમાં ભાજપના જ ધારાસભ્ય-પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં અસામાજિક તત્વો અને લુખ્ખાગીરીનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે બે નિર્દોષ ખેડૂતો પર અસામાજિક તત્વોએ બેફામ હુમલો કરી ગંભીર માર માર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા બંને ખેડૂતો હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ભાજપ સરકાર હોવા છતાં ભાજપના જ વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યોને પોલીસ તંત્રની નિષ્ક્રીયતા સામે મેદાને આવવું પડ્યું છે.

ખેડૂતો પર થયેલા હુમલાના વિરોધમાં અને ધારીમાં કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતો, વેપારી મંડળ (ચેમ્બર્સ ઓફ કોમર્સ) અને રાજકીય નેતાઓએ સાથે મળીને તંત્રને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓએ જ પોતાની જ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, ધારી પંથકમાં પોલીસની મીઠી નજર તળે ખુલ્લેઆમ દારૂનું દૂષણ અને અડ્ડાઓ ચાલી રહ્યા છે, જેના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે.

આ જનઆક્રોશમાં હાલમાં જામીન પર છૂટેલા ધારીના વર્તમાન ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયા, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા તેમજ પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિતના દિગ્ગજ નેતાઓ પણ જાડાયા હતા. તેમણે પોલીસ તંત્રને ચીમકી આપી હતી કે ધારી પંથકમાંથી દારૂના દૂષણના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે, નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે. રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં, પોતાના જ વિસ્તારમાં અસામાજિક તત્વોની ગુંડાગર્દી રોકવા માટે ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ જનમેદની સાથે મળીને વહીવટી તંત્રને આવેદનપત્ર આપવું પડે, તે પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. હાલમાં ખેડૂતો પર હુમલો કરનારા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગણી સાથે ધારીમાં ભારે તંગદિલીભર્યો માહોલ જાવા મળી રહ્યો છે.