
ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે દારૂ, ડ્રગ્સ અને ગુનાખોરીના વધતા દુષણનો મામલો હાલ ગરમાયો છે. આ મામલે રાજકીય પક્ષો સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વધુ એક કિસ્સો હાલ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. કેમ કે અહીં સરખેજ વિસ્તારમાંથી અધધ ૧ કરોડ ૨૦ લાખનો દારૂ ઝડપાયો છે અને એમાં પણ ચોંકાવનારી વાત એ છે કે, સ્થાનિક સરખેજ પોલીસ ઊંઘતી રહી અને એસએમસી(સ્ટેટ મોનિટરિંગ સેલ) આ સફળ કાર્યવાહી કરી ગઈ છે.
ગુજરાતમાં દારૂબંધીના સરકારના દાવા વચ્ચે રાજ્યના હૃદય સમાન ગણાતા અમદાવાદ શહેરમાં અધધ ૧ કરોડ ૨૦ લાખનો દારૂ ઝડપાયો છે. આ કાર્યવાહી ગુજરાત પોલીસની જ એક વિંગ એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલેએ બાતમીને આધારે કરી છે.એસએમસીને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, કરોડો રૂપિયાના દારૂ ભરેલું એક કન્ટેનર અમદાવાદના સરખેજ વિસ્તારમાં પસાર થવાનું છે, જે બાદ એસએમસીએ વોચ ગોઠવી એક શંકાસ્પદ કન્ટેનરને રોક્યું હતું અને તપાસ શરૂ કરતા તેમને આ મોટી સફળતા મળી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે આ શંકાસ્પદ કન્ટેનરને રોકી તેની તપાસ કરતા કોઈ અન્ય વસ્તુની આડમાં લઈ જવાતો દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડ્યો છે. પકડાયેલા આ દારૂના જથ્થાની ગણતરી કરતા અધધ ૧ કરોડ ૨૦ લાખ રૂપિયાનો દારૂ હોવાનું જણાઈ આવ્યું છે. જે બાદ એસએમસીએ આ કરોડોના દારૂ સાથે કન્ટેનરને જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આ કેસમાં ૬ આરોપીઓ ફરાર હોવાનું હાલ સામે આવ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી વચ્ચે રાજ્યના વચ્ચોવચ સ્થિત અમદાવાદ શહેરમાં આટલી મોટી માત્રામાં કરોડો રૂપિયાનો દારૂ કઈ રીતે પહોંચ્યો? તે હાલ તપાસનો વિષય છે. અધધ ૧.૨૦ કરોડ રૂપિયાનો દારૂ છેક શહેરની અંદર ઘૂસી ગયો હોવા છતાં સ્થાનિક સરખેજ પોલીસને જરા પણ ભાળ નથી લાગી અને તે ઘોર નિદ્રામાં ઊંઘતી હોય તેવી પરિસ્થિતિ હાલ સામે આવી છે. કારણ કે સરખેજ પોલીસના હદમાંથી આટલી મોટી માત્રામાં દારૂ પસાર થઈ રહ્યો હતો અને તેને સરખેજ પોલીસે નહીં પણ જીસ્ઝ્રએ પકડ્યો છે અને સફળતા પણ મેળવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ અમદાવાદ શહેરમાં છેક રાજસ્થાનથી આવેલા એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી છેલ્લા ૪ મહિનાથી ડ્રગ્સનો જથ્થો વાડજ ખાતે લાવી છૂટક વેચાણ કરતું હતું. જે પકડાતા શહેરમાં ચાલતું ડ્રગ્સનું મોટું નેટવર્ક પણ પકડાયું છે અને આજે અધધ ૧.૨૦ કરોડ રૂપિયાનો દારૂ પકડાયો છે, ત્યારે સરકારના નશાબંધી(દારૂબંધી)ના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે, સાથે જ પોલીસ તંત્ર પર પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.