
ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરી કરતા વાડજમાં રહેતા એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચને દંપતીના વાડજના ભાડાના મકાનમાંથી ૩૫,૭૭,૫૦૦ રૂપિયાની કિંમતનું ૩૫૭.૭૫૦ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૩૬.૪૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દંપતી ડ્રગ્સ ક્યાંથી લાવતું હતું અને કોને વેચતું હતું તેની તપાસ ચાલી રહી છે. આ આખી ઘટનામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ક્રાઇમ બ્રાંચે વાડજ, અખબારનગર સર્કલ પાસે આવેલી ‘ખત કોલોની’માં રહેતા મૂળ રાજસ્થાનના કમલેશ બિશ્ર્નોઈ અને તેની પત્ની રાજેશ્ર્વરીના મકાનમાં દરોડા પાડ્યા હતા. આ તપાસમાં કમલેશ બિશ્ર્નોઈના ખિસ્સામાંથી તેમજ મકાનમાં રહેલા એક પ્લાસ્ટિકના ડબ્બામાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. આ ડ્રગ્સના વેચાણમાં તેની પત્ની રાજેશ્ર્વરીની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આ અંગે એફએસએલના નિષ્ણાતો દ્વારા ખરાઈ કરવામાં આવતા આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાયું હતું. પોલીસે આ દંપતી પાસેથી કુલ ૩૫૭ ગ્રામ ૭૫૦ મિલીગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આની બજાર કિંમત આશરે રૂ. ૩૫,૭૭,૫૦૦ રૂપિયા માનવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ઉપરાંત પોલીસે ૨૨,૮૦૦ રૂપિયાના બે મોબાઇલ ફોન, બે આધાર કાર્ડની નકલ, બેટરીવાળો વજનકાંટો અને ૫૩ નંગ પ્લાસ્ટિકની પારદર્શક ખાલી ઝીપર બેગ સહિત કુલ ૩૬,૪૦,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સ પેડલર દંપતીનો ડ્રગ્સ નેટવર્કનો રેલો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચ્યો છે. કમલેશ અને રાજેશ્ર્વરીએ કબૂલાત કરી છે કે, તેઓ આ ડ્રગ્સ રાજસ્થાનના સાંચોરમાં રહેતા તેમના સંબંધી સુભાષ ગોદારા પાસેથી લાવ્યા હતા. વધુમાં જાણવા મળ્યું છે કે, વોન્ટેડ આરોપી સુભાષ ગોદારા આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉથી લાવ્યો હતો. આ દંપતી અમદાવાદમાં છૂટક ગ્રાહકોને આ ડ્રગ્સ વેચતા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, તેણે પોલીસને જણાવ્યું હતું કે, ’મારા મામાનો દીકરો સુભાષ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. સુભાષે મને આથક લાભની લાલચ આપીને આ કામ માટે સહમત કરી હતી.’
આ દંપતીએ એવું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે, આ લોકો લગભગ પાંચથી છ વખત રાજસ્થાનના સાંચોર ખાતે જઈને ગેરકાયદે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવેલા છે. તાજેતરમાં જ પાંચ દિવસ પહેલા તે બસમાં સાંચોર ખાતે તેના પિયરમાં ગઈ હતી. ત્યાં તેના મામાના દીકરા સુભાષે ઉત્તરપ્રદેશના લખનઉ ખાતેથી લાવેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેને આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને તે અને તેનો પતિ છૂટક વેચાણ કરતા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.