અમદાવાદમાં આરટીઓ વિભાગ એક્શનમાં, ૨.૨૭ કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે આરટીઓ વિભાગ એકદમ સક્રિય થઈ ગયો છે. આમ નિયમનો ભંગ કર્યો છે તો તમારી ખેર નથી તેવી વાત છે. અમદાવાદમાં ટ્રાફિક ભંગના નોંધાયેલા કેસોમાં મુખ્યત્વે ટ્રાફિક લાઇટનો ભંગ, એલઇડી લાઇટ, ઓવરસ્પીડ સહિતના વિવિધ પ્રકારના કેસો જાવા મળ્યા છે. આ ઉપરાંત આરટીઓવિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ તે સતત આ ડ્રાઇવ ચાલુ રાખવાનું છે.

અમદાવાદમાં ટ્રાફિકનું પ્રમાણ ખાસ્સુ વધી ગયું છે અને તેના કારણે ઘણા સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર જાવા મળે છે. આ ટ્રાફિક જામનું મુખ્ય કારણ ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી તે છે. આના પગલે તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવા માટે અને બંગ કરનારાને દંડવા માટે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દિવસ વીતેને ત્યાં કોઈને કોઈ અકસ્માતના સમાચાર જાવા મળે છે. આના કારણે છેવટે તંત્ર સક્રિય થયું છે. તેણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવા માંડ્યા છે.

ટ્રાફિક વિભાગની સક્રિયતાના લીધે ખાસ કરીને હેલમેટ ન પહેરનારા વાહનચાલકોને ખાસ્સા પ્રમાણમાં દંડાયા છે. તેના કારણે આ વાહનચાલકોમાં કચવાટ પણ જાવા મળ્યો હતો. જ્યારે કેટલાક સ્થળોએ ટ્રાફિક પોલીસે દયા દાખવીને વાહનચાલકોને જવા દીધા હતા. કેટલાય વાહનચાલકોના હેલ્મેટ વગરના ફોટા આ ડ્રાઇવ દરમિયાન પાડવામાં આવ્યા હતા. તેમા કેટલાય સગીર વાહનચાલકો પણ દંડાયા હતા. કેટલાય વાહનચાલકો ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ઝડપાયા હતા. અમદાવાદમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ વિભાગ એક્શનમાં આવ્યો છે. તેણે ફક્ત દોઢ મહિનામાં ૨.૨૭ કરોડનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં આરટીઓએ ૪૫ દિવસમાં કુલ ૯,૯૩૨ કેસ નોંધ્યા છે. આમ બે મહિનામાં તેની કાર્યવાહીનો આંકડો દસ હજારથી પણ વધુ કેસને વટાવી જઈ શકે છે. આના પરથી વિભાગ દ્વારા કેટલી ત્વરાએ અને કેટલી આક્રમકતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ દેખાય છે.