એક તરફ પારણા, બીજી તરફ આદિવાસીઓને ઉપાડવાના આદેશ: સાગબારા મુદ્દે મનસુખ વસાવાનો સરકાર પર પ્રહાર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણના અધિકારનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ખેડૂતોને ખેતી કરતા અટકાવાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સમગ્ર મુદ્દે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.અહેવાલો અનુસાર, જંગલ જમીન પર ખેડાણ કરવા ગયેલા કેટલાક આદિવાસીઓને વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

કેટલાક ખેડૂતોને તેમના બળદો સાથે લઈ જવાની કાર્યવાહી થઈ રહી હોવાની માહિતી મળતાં મનસુખ વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.ઘટનાને લઈને મનસુખ વસાવાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને નિશાન બનાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર એક તરફ આદિવાસી વિસ્તારોમાં તેમની સાથે સંવાદ અને પારણાના કાર્યક્રમો કરે છે, જ્યારે બીજી તરફ આદિવાસી ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવે છે.

વસાવાએ સરકારની નીતિ અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે, જા એક તરફ આદિવાસી ખેડૂતોના પ્રશ્નોના ઉકેલની વાત કરવામાં આવે છે તો બીજી તરફ તેમને ખેતી કરતા અટકાવવાની કાર્યવાહી કેમ કરવામાં આવે છે. તેમણે આ સમગ્ર વ્યવસ્થાને લઈને આકરા શબ્દોમાં ટીકા કરી અને આદિવાસીઓ સાથે અન્યાય ન થવો જાઈએ તેવી માંગ કરી.

સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તાર સાથે જાડાયેલા જંગલ વિસ્તારમાં જમીનના ખેડાણ અને અધિકારને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાગબારા વિસ્તારના ખેડૂતો વર્ષોથી આ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરે છે. બીજી તરફ, ઉમરપાડા વિસ્તારના લોકો પણ જમીનના અધિકારનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.અગાઉ આ મુદ્દે આદિવાસી ખેડૂતો દ્વારા ધરણાં-આંદોલન પણ કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવા સહિતના નેતાઓએ આંદોલન સ્થળે પહોંચીને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ઓગસ્ટ દરમિયાન આ મુદ્દો રાજ્ય સરકાર સુધી પણ પહોંચ્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વસાવાની બેઠક થઈ હતી.

ઓગસ્ટના અંતમાં સરકાર તરફથી સાગબારા-ઉમરપાડા વિવાદના ઉકેલ માટે બેઠકો અને ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાની વાત સામે આવી હતી. જંગલ જમીન અધિકાર કાયદા હેઠળ પાત્રતા ધરાવતા દાવાઓની જરૂરી પુરાવા સાથે ચકાસણી કરીને નિયમ મુજબ નિર્ણય લેવાની વાત પણ કરવામાં આવી હતી.૧ સપ્ટેમ્બરના સરકાર સંબંધિત અહેવાલમાં જણાવાયું હતું કે સાગબારા-ઉમરપાડાના જમીન ખેડાણ અને હક-અધિકારના વિવાદનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવાનો પ્રયાસ થયો હતો. પેન્ડિંગ દાવાઓની પુરાવા આધારે ચકાસણી કરીને પાત્ર અરજદારોને એફઆરએ હેઠળ અધિકારપત્ર આપવાની વાત પણ કરવામાં આવી હતી. પરંતુ સપ્ટેમ્બરના અંતમાં ફરી

ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ખેતીના મુદ્દે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. જેના કારણે આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.સાગબારા વિસ્તારના આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીન પર ખેતીના અધિકાર અને બેદખલીની કાર્યવાહી અંગે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હોવાનું તાજેતરના અહેવાલમાં જણાવાયું છે. આથી સાગબારા જંગલ જમીન વિવાદ હવે વહીવટી અને રાજકીય સ્તરની સાથે કાનૂની સ્તરે પણ પહોંચ્યો છે. સમગ્ર મામલામાં એક તરફ વર્ષોથી જમીન પર ખેતી કરતા હોવાનો સ્થાનિક આદિવાસી ખેડૂતોનો દાવો છે, તો બીજી તરફ વન જમીનના કાયદાકીય અધિકાર અને વહીવટી નિયંત્રણનો પ્રશ્ન છે.