
સમી તાલુકાના વરાણા ગામે આવેલા ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટમાં ૧ લાખની કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મંદિરના પૂજારી કૂણાલદાન ઉર્ફે કિશોરદાન ગઢવી સામે દાનની રકમની બોગસ પાવતી બનાવી ટ્રસ્ટના હિસાબમાં નોંધ ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ટ્રસ્ટી ભરત ગગજી નાડોદાએ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ, મુંબઈના રાહુલ વીરા ચૌહાણે ૧૪ માર્ચ ૨૦૨૫ના રોજ મંદિર ટ્રસ્ટને ૧ લાખનું દાન આપ્યું હતું.
ત્યારબાદ ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ રાપરના નરસિંહ ચૌહાણે આ દાનની પાવતી ટ્રસ્ટના પ્રમુખને મોકલી હતી. પાવતીની વિગતો સામે આવ્યા બાદ ટ્રસ્ટ દ્વારા દાનની રકમ અને પાવતી અંગે તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન પાવતી નંબર છ ૩૫૯૦૭ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ટ્રસ્ટના રેકોર્ડ મુજબ આ જ પાવતી ૮ જુલાઈ ૨૦૨૫ના રોજ સંગીતાબેન હિતેશભાઈને ૫૦૦ના દાન બદલ આપવામાં આવી હતી. જાકે, બાદમાં આ પાવતીનો ઉપયોગ ૧ લાખના દાનની રસીદ તરીકે કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ટ્રસ્ટના રજિસ્ટરની તપાસ કરતાં ૧ લાખની દાનની રકમની કોઈ નોંધ મળી ન હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં, ૧ લાખની દાનની પાવતી પર પૂજારી કૂણાલદાન ગઢવીની સહી હોવાનું સામે આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ટ્રસ્ટી દ્વારા સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. લીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. દાનની રકમ, પાવતી નંબર, મંદિર ટ્રસ્ટના હિસાબી રેકોર્ડ અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.