
આણંદમાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન એલસીબીના એએસઆઇ મહિપાલસિંહ જગદીશસિંહને બાતમી મળી હતી કે નડિયાદ તરફથી આણંદ તરફ આવી રહેલા સફેદ રંગના ટાટા કન્ટેનર ટ્રકમાં હોમ એપ્લાયન્સના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.બાતમીના આધારે એલસીબીના પીએસઆઇ આર.એમ. ચૌહાણ અને સ્ટાફે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર રાવળાપુરા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
ટ્રકના ચાલકે પોલીસ સમક્ષ હોમ એપ્લાયન્સના સામાનની બિલ્ટી રજૂ કરી હતી. જાકે, પોલીસે કન્ટેનરનો દરવાજા ખોલીને તપાસ કરતાં વન્ડરશેફ કંપનીના સ્ટેનલેસ સ્ટીલ વાસણોના બોક્સની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી કુલ ૨૯૦ પેટીમાંથી ૮,૫૯૨ બોટલ વિદેશી દારૂ કબજે કરી હતી. દારૂના જથ્થાની કિંમત ૪૪,૫૮,૧૫૦ હોવાનું સામે આવ્યું છે.
દારૂ ઉપરાંત પોલીસે ૧૫ લાખની કન્ટેનર ટ્રક, બે મોબાઇલ ફોન અને બિલ્ટી મુજબના ૨૪,૪૩,૩૫૦ના અન્ય સામાન સહિત કુલ ૪,૩૨,૫૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી માટે હોમ એપ્લાયન્સના સામાનની આડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે સમગ્ર જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
આ કેસમાં પોલીસે હરિયાણાના નુહૂ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા તાલુકાના ૩૪ વર્ષીય મુખત્યાર હાકમ દરાબ મેઉ અને ૨૯ વર્ષીય રૂકમુદ્દીન સદ્દીક કમલા મેઉની ધરપકડ કરી છે.જ્યારે ઈરફાનખાન જામીલ, રહે. બાવલા, તા. તૌરૂ, જિ. નુહૂ અને સદ્દામને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.