
જૂનાગઢ જિલ્લાના સુખપુર અને આસપાસનાં ગામોમાં વન્ય પ્રાણીઓની અવરજવર અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગે કાર્યવાહી કરી હતી. રાત્રિના સમયે ખેતરોમાં પિયત કરવા જતા ખેડૂતોને વન્ય પ્રાણીઓનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત સુખપુર સહિત આસપાસનાં ૧૦ ગામના સરપંચોએ વન વિભાગ સમક્ષ કરી હતી. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.
આ રજૂઆત બાદ વન વિભાગની ટીમે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી વ્યવસ્થા કરીને એક માદા સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર અને દેખભાળ માટે અમરાપુર એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
જૂનાગઢના મદદનીશ વનસંરક્ષક એસ. એમ. મકરાણીના જણાવ્યા અનુસાર, ૧૮ ઓગસ્ટે સુખપુર અને આસપાસનાં ૧૦ ગામના સરપંચોએ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. ગામોની આસપાસ રાત્રિના સમયે વન્ય પ્રાણીઓની અવરજવરને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે વન વિભાગે સાપુર અને સુખપુર રાઉન્ડના કર્મચારીઓને સાથે રાખીને સ્થળની તપાસ કરી હતી. ત્યારબાદ રેસ્ક્યુ માટે જરૂરી પાંજરાં અને અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાવચેતીપૂર્વક સિંહણને પાંજરામાં ખસેડીને અમરાપુર એનિમલ રેસ્ક્યુ સેન્ટર પહોંચાડવામાં આવી હતી.
રેસ્ક્યુ બાદ સિંહણને અમરાપુર એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં વેટરનરી ડાક્ટરો અને સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. ત્યાં તેને પૂરતો ખોરાક અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. વન વિભાગની ટીમ સિંહણની સ્થિતિ પર સતત નજર રાખી રહી હતી.
સિંહણને રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગે તેના બચ્ચાંની શોધ અને સુરક્ષા માટે પણ પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આશરે ૧૫થી ૧૭ દિવસ બાદ દરગાવડા અને સુખપુર નદીકાંઠાના વિસ્તારમાંથી સિંહણનાં બંને બચ્ચાંને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને પણ સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે લાવવામાં આવ્યાં હતાં. આ સમગ્ર કામગીરીનું સૌથી મહત્વનું પરિણામ એ આવ્યું કે આશરે એક મહિનાની અંદર સિંહણ અને તેના બંને બચ્ચાંનું સફળતાપૂર્વક પુનઃમિલન કરાવવામાં આવ્યું. વન વિભાગના આયોજન અને કર્મચારીઓની સતત દેખરેખને કારણે માતા અને બચ્ચાંને ફરી એકસાથે લાવવામાં આવ્યાં હતાં.મદદનીશ વનસંરક્ષક એસ. એમ. મકરાણીના જણાવ્યા અનુસાર, સિંહણને તેના બંને બચ્ચાં સાથે સુરક્ષિત રીતે મિલાવવામાં આવી છે. આ કામગીરીથી વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગના પ્રયાસોને સફળતા મળી છે અને વન્યજીવપ્રેમીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.