
સુરતમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત ઈશ્ર્વર પટેલને એસીબીએ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. આ ઘટનાથી સમગ્ર પાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદીને પોતાની હોટલ માટે ફાયર સેટી સંબંધિત એનઓસી (નૉ ઓબ્જેક્શન સટફિકેટ) લેવાની હતી. નિયમિત પ્રક્રિયા મુજબ મળવી જોઈએ તેવી એનઓસી માટે ઈશ્ર્વર પટેલ દ્વારા ફરિયાદી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે સમગ્ર મામલે સુરત છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો.
એસીબીએ ફરિયાદીના નિવેદન અને પ્રાથમિક તપાસના આધારે એસીબી દ્વારા પૂર્વ આયોજન મુજબ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું. છટકાની કાર્યવાહી દરમ્યાન ઈશ્ર્વર પટેલે ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચની રકમ, સંબંધિત દસ્તાવેજો તેમજ અન્ય પુરાવા એસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી બાદ એસીબી દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. લાંચની માંગ ક્યારે અને કયા હેતુસર કરવામાં આવી, તેમજ આ મામલે અન્ય કોઈ અધિકારી અથવા કર્મચારી સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જરૂર પડ્યે વધુ ધરપકડની શક્યતા પણ નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે ફાયર સેટી એનઓસી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયા જાહેર સુરક્ષાથી સીધી રીતે જોડાયેલી હોય છે. આવી સંવેદનશીલ જવાબદારી ધરાવતા અધિકારી દ્વારા લાંચની માંગ કરાતાં સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. શહેરના વિવિધ વર્ગોમાં આ ઘટનાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
એસીબી અધિકારીઓનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. કોઈપણ સરકારી અધિકારી લાંચની માંગ કરે તો નાગરિકોએ નિર્ભય બની છઝ્રમ્નો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે. આ ઘટનાએ સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને પાલિકા પ્રશાસન આ મામલે કેટલી કડક કાર્યવાહી કરે છે.