મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે “જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ‘યુવા સંમેલન’ યોજાઈ

–યુવાનો ભગવાન બિરસા મુંડાના આદર્શોને અપનાવી, શિક્ષિત અને સંગઠિત બની ‘વિકસિત ભારત-૨૦૪૭’ના નિર્માણમાં પોતાનું યોગદાન આપે- મંત્રી રમણભાઈ સોલંકી

–પી.એમ. જનમન અને વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ સમાજના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે: મંત્રી રમણભાઈ સોલંકી

–શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના વિકાસ થકી આદિજાતિ સમાજના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે- વેજલપુર ધારાસભ્ય અમિતભાઈ ઠાકર

ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિના ઉપલક્ષમાં ઉજવાઈ રહેલા “જનજાતીય ગૌરવ સપ્તાહ” અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામે ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે “યુવા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાના ૨૫ વર્ષના ટૂંકા પરંતુ તેજસ્વી જીવનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાએ સમાજને અંધશ્રદ્ધા અને વ્યસનોથી મુક્ત થઈ શિક્ષિત તેમજ સંગઠિત બનવાની પ્રેરણા આપી હતી. આજના સમયમાં ભગવાન બિરસા મુંડાના આદર્શ વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવા તેમણે અનુરોધ કર્યો હતો.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ’જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવી આદિજાતિ સમાજનું ગૌરવ વધારવામાં આવ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ’વનબંધુ કલ્યાણ યોજના’ શરૂ કરી હતી અને આજે ’પી.એમ. જનમન યોજના’ હેઠળ આદિવાસી સમાજ માટે પાકા મકાન, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, હોસ્ટેલ, આંગણવાડી અને સ્વરોજગારીની સુવિધાઓ પૂરી પાડીને તેમના જીવનમાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. તેમણે યુવા પેઢીને આહ્વાન કર્યું હતું કે, “આ દેશ મારો છે” તેવા ભાવ સાથે આપણે સૌ સાથે મળીને ૨૦૪૭ સુધીમાં ’વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પમાં સહભાગી બનીએ.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે ભગવાન બિરસા મુંડા અને માનગઢના શહીદોના બલિદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, આદિજાતિ સમાજ પરંપરાગત રીતે પ્રકૃતિ અને પર્યાવરણના જતન સાથે જોડાયેલો છે. તેમણે રાજ્ય સરકારની વિકાસગાથા વર્ણવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં છેવાડાના વિસ્તારોમાં પાકા રસ્તા, આરોગ્યની સુવિધાઓ, એકલવ્ય શાળાઓ અને દરેક જિલ્લામાં સાયન્સ સ્કૂલો તથા હોસ્ટેલોના નિર્માણથી શિક્ષણ ક્ષેત્રે મોટું ગુણાત્મક પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો ૩૫ ટકાથી ઘટીને દોઢ ટકા જેટલો નીચો ગયો છે.

આ યુવા સંમેલનમાં જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર,અગ્રણી દશરથસિંહ બારિયા, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, પ્રાંત અધિકારી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.