ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓઃ ૫થી ૭ લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા

જૂનાગઢમાં આગામી મહિને અગિયારસથી શરૂ થનારી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ તેજ કરી છે. વર્ષ ૨૦૨૫માં ભારે વરસાદને કારણે પરિક્રમા યોજાઈ શકી નહોતી, ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. અંદાજે ૫થી ૭ લાખ ભક્તોની અવરજવરને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ મહાનગરપાલિકા, પોલીસ અને વન વિભાગની ટીમો સાથે પરિક્રમા રૂટનું સ્થળ નિરીક્ષણ કરી પાણી, આરોગ્ય, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ચોમાસાની સિઝન પૂર્ણ થતાં જ પરિક્રમા રૂટ પર રસ્તાઓનું સમારકામ, પીવાના પાણીની વ્યવસ્થા અને વીજળીની સુવિધાઓ ઊભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમાના પ્રવેશદ્વારથી લઈને સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત વિભાગોને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની સલામતી માટે પોલીસ અને વન વિભાગ વચ્ચે સંકલન જાળવીને કર્મચારીઓની તૈનાતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, લાઇટિંગ અને અન્ય પ્રાથમિક સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. પાંચ દિવસ ચાલતી લીલી પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ટ્રાફિક અને ભીડનું વ્યવસ્થાપન મહ¥વનું રહેશે. બહારના જિલ્લાઓમાંથી આવતા વાહનો માટે યોગ્ય પા‹કગની વ્યવસ્થા કરવા તેમજ પા‹કગ સ્થળેથી શ્રદ્ધાળુઓની અવરજવર સરળ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બોરદેવીથી ઉતરતી વખતે ભીડનું નિયંત્રણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

પરિક્રમા રૂટ પર શૌચાલય, પીવાનું પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા તંત્રને સૂચના અપાઈ છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના હોવાથી સ્વચ્છતા જાળવવા અને રસ્તાઓનું સમારકામ સમયસર પૂર્ણ કરવા પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાને કારણે જંગલ વિસ્તારનાં પ્રાકૃતિક પાણીનાં સ્ત્રોતો અને નદીઓમાં પાણીની અછત સર્જાવાની શક્યતા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાણીની વૈકલ્પીક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. અગાઉ ઉપલબ્ધ ૧૯ બોરની સામે આ વખતે વધારાના ૧૦થી ૧૨ નવા બોર તૈયાર કરવાની યોજના બનાવવામાં આવી છે.

વોટર સપ્લાય ટીમ દ્વારા સ્થળ તપાસ અને ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે, જેમાં હાલ ૧૨ બોરમાં પાણી ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. આગામી ૧૫ તારીખ સુધીમાં તમામ નવા બોર કાર્યરત કરવાનું આયોજન છે. જૂના અને નવા પાણીના સ્ત્રોતો મળીને પરિક્રમા રૂટ પર કુલ ૩૦થી ૩૨ પાણીના પોઈન્ટ્‌સ ઊભા કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને પીવાના પાણીની સુવિધા મળી રહે. ગિરનારનો જંગલ વિસ્તાર ભૌગોલિક રીતે જટિલ હોવાથી અને માનવ-પશુ સંઘર્ષની ઘટનાઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. આશરે ૧૮૦ ચોરસ કિલોમીટરના સિંહોના અવરજવર ક્ષેત્રમાં આવેલા ૩૫ કિલોમીટરના પરિક્રમા રૂટ પર ફોરેસ્ટ ટ્રેકર્સ તૈનાત રહેશે. આ ટીમો સિંહોની હિલચાલ પર સતત નજર રાખશે, જેથી શ્રદ્ધાળુઓની સુરક્ષા જાળવી શકાય.