
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે જળ સંકટની સાથે હવે પશુપાલકોની પણ પરેશાની વધી છે. ઘાસચારાના ભાવમાં થયેલા ત્રણ ગણા વધારાથી પશુપાલકોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. પશુપાલકોની માગ છે કે સરકાર સસ્તા દરે ઘાસચારો આપે. વરસાદના અભાવે લીલુ ઘાસ મળી નથી રહ્યુ અને સૂકા ઘાસ મગફળીના પાલાની માગ વધી છે પરિણામે ઘાસચારાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા હવે જળસંકટની સાથે પશુપાલકોની મુશ્કેલી પણ વધી છે. વરસાદના અભાવે ખેતરોમાં લીલોતરી ઘટી છે અને લીલા ઘાસની ઉપલબ્ધતા પણ ઓછી થઈ છે. બીજી તરફ પશુઓ માટે સૂકા ઘાસ અને મગફળીના પાલાની માગ વધતા તેના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે.
હાલમાં એક મણ સૂકા ઘાસનો હોલસેલ ભાવ રૂ.૬૫૦ અને રિટેઇલ ભાવ રૂ.૭૫૦ સુધી પહોંચ્યો છે. જ્યારે ગત વર્ષે આ જ ઘાસ રૂ.૨૫૦થી ૩૦૦માં મળતું હતું. લીલા ઘાસના ભાવમાં પણ વધારો થયો છે. હાલ એક મણ લીલા ઘાસનો હોલસેલ ભાવ રૂ.૧૨૦ અને રિટેઇલ ભાવ રૂ.૧૬૦ છે, જે ગત વર્ષે રૂ.૬૦થી ૭૦ હતો. મગફળીના પાલાનો ભાવ પણ ગત વર્ષના રૂ.૧૦૦થી વધીને હાલ રૂ.૩૦૦ પ્રતિ મણ થયો છે.
ઘાસચારો મોંઘો થયો હોવા છતાં પશુપાલકો માટે તેની ખરીદી ટાળવી શક્ય નથી. પશુઓને દરરોજ ખોરાક આપવો પડતો હોવાથી વધેલા ભાવનો સીધો બોજ તેમના ખિસ્સા પર પડી રહ્યો છે. કચ્છના ભુજ તાલુકાના મિરજાપરના માલધારીઓ પણ ઘાસચારાની અછતને લઈને ચિંતિત છે. માલધારીઓનો આક્ષેપ છે કે સરકાર દ્વારા રૂ.૨ પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમના વિસ્તારમાં હજુ સુધી પૂરતી વ્યવસ્થા થઈ નથી. પશુપાલકો સરકાર પાસે વહેલી તકે સસ્તા દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માગ કરી રહ્યા છે.