મહીસાગર જીલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭નું આયોજન: પ્રતિભાસંપન્ન યુવાનો માટે ૧૨ ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાની તક

મહીસાગરના યુવાનોમાં રહેલી કલા-કૌશલ્યને પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા કક્ષાએ પાંચ વિવિધ સ્પર્ધાઓનું આયોજન

-૧૫ થી ૨૯ વર્ષની વયના યુવક-યુવતીઓ લોકનૃત્ય, લોકગીત અને ચિત્રકામ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને મહીસાગર જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. મહીસાગર જીલ્લાના કલાપ્રેમી અને પ્રતિભાસંપન્ન યુવાનોને પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આ એક મહત્વપૂર્ણ મંચ પૂ‚ં પાડવામાં આવશે. આ ઉત્સવમાં જીલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવક-યુવતીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા કંડારી શકશે.

યુવા ઉત્સવ અંતર્ગત આ વર્ષે મુખ્ય પાંચ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકનૃત્ય (Folk Dance), લોકગીત (Folk Song), ચિત્રકામ (Painting), કવિતાલેખન (Poetry Writing) તથા નુક્કડ નાટક એટલે કે શેરી નાટકનો સમાવેશ થાય છે. આ તમામ સ્પર્ધાઓ સૌપ્રથમ જિલ્લા કક્ષાએ યોજવામાં આવશે. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરી વિજેતા બનનાર સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ યોજાનારી સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે. એટલું જ નહીં, રાજ્ય કક્ષાએ વિજયી થનાર કલાકારો રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર યુવા ઉત્સવમાં મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકશે.

આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ નિયત અરજી ફોર્મ મેળવી લેવાના રહેશે. અરજી ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ‚મ નં-૨૧૨, બીજો માળ, કલેક્ટર કચેરી, લુણાવાડા, મહીસાગર ખાતેથી મેળવી શકાય છે. સંપૂર્ણ વિગતો સાથે ભરેલા અરજી ફોર્મ આગામી તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં આ જ કચેરીએ જમા કરાવવાના રહેશે. સ્પર્ધાઓના આયોજનની ચોક્કસ તારીખની જાહેરાત તમામ એન્ટ્રીઓ મળ્યા બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને જાહેર કરવામાં આવશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે મહીસાગર જીલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠા બેન વી. વસૈયા (મોબાઈલ નંબર: ૬૩૫૩૦૪૦૬૦૨) અથવા જૈમીન એ. સોલંકી (મોબાઈલ નંબર: ૭૨૮૫૮૭૫૯૬૬) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવ્યું છે. જીલ્લાના વધુમાં વધુ યુવાનો આ કલા મહાકુંભમાં જોડાય અને પોતાની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરે તેવો અનુરોધ જીલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.