મહીસાગર જીલ્લા કલેક્ટરે લુણાવાડા બ્રાન્ચ શાળા નં.-૫ ની મુલાકાત લીધી: શાળાઓમાં બાળકો સાથે શારીરિક સજા કે ગેરવર્તણૂક સાંખી લેવાશે નહીં

મહીસાગર જીલ્લાના લુણાવાડા સ્થિત પ્રાથમિક શાળા બ્રાન્ચ નં.-૫ ખાતે બાળકો સાથે બનેલી મારપીટની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે આજ રોજ જીલ્લા કલેક્ટર અર્પિત સાગરે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે બેઠક યોજી સમગ્ર ઘટના અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર અર્પિત સાગરે જણાવ્યું હતું કે, શિક્ષણ નીતિ અને બાળ અધિકાર (Child Rights) અંતર્ગત શાળાઓમાં બાળકોને શારીરિક સજા (Corporal Punishment)ં કરવી કે ડરનો માહોલ ઊભો કરવો તદ્દન ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે. શાળામાં બાળકો નિર્ભય બનીને, પ્રેમ અને ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવી શકે તેવું હકારાત્મક વાતાવરણ પૂરૂ પાડવું અત્યંત જરૂરી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તેની પ્રાથમિક અને મુખ્ય જવાબદારી શાળાના આચાર્યની રહેશે.

કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે, જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉ પણ તમામ શાળાઓને પરિપત્ર/પત્ર દ્વારા આ બાબતે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી ચૂકી છે. આ ઘટના સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સંબંધિત શિક્ષકને સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લાની તમામ શાળાઓને તાકીદ કરવામાં આવે છે કે ભવિષ્યમાં જો કોઈ પણ શાળામાં બાળકો સાથે આ પ્રકારનો વ્યવહાર કે અન્યાય થશે, તો શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.