પીપલોદ માં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સવાલો : કાચા મકાન ધરાવતા અરજદારોના નામ યાદીમાં ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

દાહોદ જીલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં ફરતા આવાસ યોજનાના લિસ્ટમાં ૧૮૨ મકાનો મંજૂર થયાનો દાવો થઈ રહ્યો છે. જોકે, ગ્રામજનોના આક્ષેપ મુજબ લુહાર ફળિયામાં બે-ત્રણ કાચા મકાનો ધરાવતા પરિવારોના નામ આ યાદીમાં જોવા મળતા નથી, જ્યારે કેટલાક પાકા મકાનો ધરાવતા લોકોના નામ હોવાનો દાવો ગામ જણો કરી રહ્યા છેકે, તેમના પાકા મકાન હોવા છતાં તપાસ કરવા આવીલ ટીમ દ્વારા કેવી તપાસ કરવામાં આવી હશે કે એમના પણ મકાનો પાસ થયા છે. લુહાર ફળિયાના અર્જુનભાઈ મગનભાઈ લુહારે આક્ષેપ કર્યો છે કે તેમના કાચા મકાનના ગ્રામ પંચાયત દ્વારા ચાર વખત ફોટા પાડવામાં આવ્યા હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદીમાં તેમનું નામ કેમ આવ્યું નથી તે અંગે તપાસ થવી જોઈએ.

ટીનાબેન દીપસિંગભાઈએ પણ જણાવ્યું કે, આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયતના કર્મચારીઓ તેમના ઘરે બે-ત્રણ વખત આવ્યા હતા અને મકાનના ફોટા પણ પાડવામાં આવ્યા હતા. તેમ છતાં તેમનું નામ યાદીમાં આવ્યું નથી. તેમના જણાવ્યા મુજબ તલાટી પણ સ્થળ પર આવ્યા હતા.

ગ્રામજનોની માંગ છે કે, પીપલોદ ગામની ૧૮૨ મકાનોની યાદીની તટસ્થ તપાસ કરવામાં આવે અને કાચા મકાનો ધરાવતા પરિવારોનો ફરીથી સચોટ સર્વે કરી પાત્ર લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે. વધુમાં, અગાઉ થયેલી રજૂઆતોની પણ તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.