કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરની એફઆઇઆર રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી

જિલ્લામાં જાતીય સતામણીનો ભોગ બનેલી સગીર બાળકીની ઓળખ છતી થાય તેવી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવાના આરોપસર કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સામે નોંધાયેલી fri રદ કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ પીડિતાની ઓળખ જાહેર થવાનો કેસ બને છે અને સમગ્ર મામલે ટ્રાયલ ચલાવવાની જરૂર છે.

કેસની વિગતો મુજબ, પ્રગતિ આહીરે છ વર્ષની બાળકી પર કથિત રીતે ૧૩ વ્યક્તિઓ દ્વારા થયેલા જાતીય શોષણનો મુદ્દો ઉજાગર કરવા તેમજ પરિવારને મદદ અને કાનૂની માર્ગદર્શન આપવા સહકર્મીઓ સાથે બાળકીના ઘરે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખાણ સાથે કેટલાક ફોટોગ્રાફ્સ અને ટૂંકા વીડિયો કલીપ્સ અપલોડ કર્યા હતા.

જે મામલે આટકોટ પોલીસે નોંધેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે પોસ્ટમાં બાળકીનો ચહેરો બ્લર કરવામાં આવ્યો હોવા છતાં ફોટા અને વીડિયોમાં પીડિતાનો રહેણાંક વિસ્તાર, આસપાસના મુખ્ય સ્થળો અને પરિવારજનોના ફોટોગ્રાફ્સ દેખાતા હતા. જેના આધારે બાળકી અને તેના સંબંધીઓની ઓળખ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી પ્રગતિ આહીર સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ પીડિતાની ઓળખ જાહેર કરવા સંબંધિત જાગવાઈઓ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પ્રગતિ આહીરે અરજી કરી જેની સુનાવણી દરમ્યાન વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે પોસ્ટમાં બાળકીનું નામ, સરનામું, શાળાનું નામ કે અન્ય કોઈ વ્યક્તિગત માહિતી જાહેર કરવામાં આવી નહોતી. ઉપરાંત ચહેરો બ્લર કરવામાં આવ્યો હોવાથી તેમની બોનાફાઈડ મનસા સ્પષ્ટ થાય છે.

માત્ર આસપાસનો વિસ્તાર દેખાવાથી સીધી કે આડકતરી રીતે ઓળખ છતી થતી નથી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારનું પણ રક્ષણ થવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. જોકે રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રહેઠાણ અને પરિવારના ફોટોગ્રાફ્સ જાહેર કરવાથી પીડિતાની ઓળખ બહાર આવવાની અને તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થવાની શક્યતા છે.

આવા કૃત્યથી બાળકી સામે પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સુનાવણી બાદ હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું કે કાયદો એવા કોઈ પણ રિપોર્ટ, ટિપ્પણી, ફોટોગ્રાફ અથવા માહિતીના પ્રકાશન પર પ્રતિબંધ મૂકે છે, જે બાળકની ગોપનીયતાને નુકસાન પહોંચાડી શકે. કોર્ટે નોંધ્યું કે મીડિયા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પીડિત બાળકની ઓળખ જાહેર કરી શકાતી નથી અને કાયદાના ભંગ બદલ જવાબદારી નક્કી થઈ શકે છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે ઉપલબ્ધ સામગ્રીના આધારે અરજદાર સામે પ્રથમદર્શનીય કેસ બને છે. તેથી friમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી અને મામલામાં ટ્રાયલ ચાલવી જોઈએ. આ સાથે પ્રગતિ આહીર સામેની ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.